સુરત ક્રાઈમ બ્રાન્ચે બોગસ પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે બાંગ્લાદેશી ઇસમ ની કરી ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાંચે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસીને સુરતમાં રહેતા એક બાંગ્લાદેશી ઇસમને ઝડપી પાડ્યો હતો. આ ઇસમ પાસેથી બોગસ આધાર કાર્ડ, બોગસ પાનકાર્ડ તેમજ બાંગ્લાદેશના કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે આ બાંગ્લાદેશી ઈસમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછ સામે આવ્યું કે, આ ઇસમ નું નામ રૂબેલ હુસેન શફીકુલ ઇસ્લામ ઉર્ફે મો. કાસીમ ઇસ્લામ અંસારી છે. 24 વર્ષીય આ ઇસમ મૂળ બાંગ્લાદેશનો વતની છે. વર્ષ 2018માં આ ઇસમ રાત્રીના સમયે પુટખલી બોર્ડરથી નદી પાર કરીને ભારતીય સીમા વિસ્તારમાં પ્રવેશ્યો હતો. અને ત્યારપછી તે મહેરપૂર, કર્ણાટક, હૈદરાબાદ તેમજ મુંબઈ એમ અલગ અલગ જગ્યાએ રહીને કામ કરતો હતો. મુંબઈમાં પનવેલ ખાતે આવેલ એક કલર કેમિકલ કંપનીમાં આ ઇસમ સિક્યોરીટી ગાર્ડ તરીકેની નોકરી કરતો હતી. અને બાદમાં આ ઇસમ વર્ષ 2021માં તે સુરત આવ્યો હતો. જ્યાં તે અલગ અલગ કારખાનામાં કપડાને પ્રેસ કરવાનું કામ કરતો હતો.
વધુમાં તેણે જણાવ્યું કે, તે જ્યારે મુંબઈ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો તે દરમિયાન તેણે શરીફૂલ ઇસ્લામ કે જે બાંગ્લાદેશના મની એક્સચેન્જર છે તેની સાથે સંપર્ક કરીને ભારતીય આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ બનાવી આપવા માટે જણાવ્યું હતું. જેથી શરીફૂલ ઈસ્લામે તેના મુંબઈ ખાતે રહેતા એક ઓળખીતા એજન્ટ ખલીલ અહેમદ શેખ સાથે આ ઇસમનો સંપક કરાવ્યો હતો. અને બાદમાં મોહમ્મદ કાસીમ ઇસ્લામ અંસારીના નામથી આ ઇસમના બોગસ દસ્તાવેજો બનાવી આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે, આ ઇસમના મોબાઈલ ફોનમાંથી કેટલીક એવી એપ્લિકેશનો પણ મળી આવી છે જેના દ્વારા તેને ટ્રેક કરી શકાય નહીં. આથી આ ઇસમ ભારતમાં આવીને કોને કોને મળ્યો છે તેમજ તેને ભારત આવીને બાંગ્લાદેશમાં કોઈ આર્થિક વ્યવહાર કર્યા છે કે કેમ અને કાર્ય છે તો કઈ રીતે કર્યા છે તે તમામ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.