ઉર્જા વિભાગની ભરતીમાં ગેરકાયદેસર રીતે નોકરી લાગેલા 9 ઉમેદવારોની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
ઉર્જા વિભાગની વર્ષ 2020-21માં લેવાયેલ ભરતી પરીક્ષામાં કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ ઘટનાને લઇને અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર નોકરીએ લાગી ગયેલા 9 જેટલા લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યુ છે. ઊર્જા વિભાગની જુનિયર આસિસ્ટન્ટની ભરતી માં છેલ્લા ત્રણ મહિનાથી ગેરકાયદેસર રીતે નોકરી પર લાગી ગયેલા ઉમેદવારો તેમજ તેમને ગેરકાયદેસર રીતે નોકરી પર લગાડનાર એજન્ટોની ધરપકડ કરવાનો સિલસિલો ચાલુ છે. ગેરકાયદેસર રીતે નોકરી લાગેલા ઉમેદવારો પૈકી સુરત ક્રાઈમ બ્રાન્ચે 4 મહિલા સહિત કુલ 9 લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આશંકા છે કે આ ભરતીમાં ગેરકાયદેસર રીતે 300થી પણ વધુ ઉમેદવારો નોકરીએ લાગી ગયા હોય શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ઉર્જા વિભાગની જુનિયર આસિસ્ટન્ટની ઓનલાઇન ભરતી પરીક્ષામાં પાસ કરવા માટે થઈને દરેક ઉમેદવાર પાસેથી 7 થી 10 લાખ રૂપિયા લઈને તેમને વીજ કંપનીમાં નોકરી અપાવતી ગેંગનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે થોડાક મહિના અગાઉ ફરિયાદ નોંધીને આ ભરતીમાં ગેરકાયદેસર રીતે નોકરી પર લાગેલ ઉમેદવારોની તપાસ શરુ કરી હતી. જેમાં કુલ 15થી પણ વધુ એજન્ટોની ધરપકડ કરી પોલીસે તે તમામને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.
નોંધનીય છે કે, યુવરાજ સિંહે અગાઉ આ ભરતી કૌભાંડ મામલે એવા આક્ષેપ કર્યા હતા કે, જે એજન્સીને કામ સોંપવામાં આવે છે ત્યાં જ આ ભરતી કૌભાંડ થઈ રહ્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જો તે કોમ્યુટરો જપ્ત કરીને તપાસ કરવામાં આવી હોત તો તમામ મળી શકે એમ હતા. જે ઉમેદવારનું પહેલેથી જ સેટિંગ હતું તે ઉમેદવારના કમ્પ્યુટરમાં એક ચીપ લગાવેલી હોય છે. યુવરાજ સિંહે આ સમગ્ર મામલે CBI દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.