CrimeGujaratSouth GujaratSurat

સ્માર્ટસિટી સુરત બન્યું ક્રાઇમસીટી, ઉપરાઉપરી હત્યાના બનાવો

સુરત શહેર હવે ધીને ધીમે ગુજરાત રાજ્યનું ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. સુરતમાં હત્યા કરવી એ સામાન્ય બાબત થઈ ગઇ હોય તેવુ લાગી રહ્યું છે. ફેનીલ નામના યુવકે એકતરફી પ્રેમમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા નામની યુવતીને જાહેરમાં છરી મારીને તેની હત્યા કરી દીધી હતી. આ ઘટના પછી સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો થયા હતા. પરંતુ આ હત્યા પછી પણ સુરતમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં બે હત્યાના કેસ નોંધાયા છે. જ્યારે એક શંકાસ્પદ મર્ડરની ઘટના પણ સામે આવી છે.

ઉધનામાં આવેલ જે.પી.મીલની નજીક એક અજાણી મહિલાની લાશ મળી આવી છે. જે.પી.મીલ નજીક આવેલ ખંડેરમાંથી મહિલાની લાશ મળી આવતા પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ મથકના સ્ટાફે તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના વરાછાના હીરા માર્કેટમાં બે વૃદ્ધ દલાલો ટેબલ મુકવાની વાતને લઈને ઝગડ્યા હતા. ત્યારે બંનેએ ગુસ્સામાં એકબીજાને સામસામે ઘારદાર લાકડું મારતા એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. સોમવારના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આપાભાઈને ધારદાર લાકડાના હુમલાથી ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખાતે લઈ જતા હતા. ત્યારે હોસ્પિટલ જતા રસ્તામાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી એક લાશને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઇ હતી. દીકરાની લાશ જોઈને તેના પરિવારના માથે જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થતી ઉભી થઇ હતી. લાશને રિક્ષા મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવામાં આવી હતી. પોલીસને આ મામલે હત્યા થઈ હોવાની આશંકા છે. પરંતુ મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે પછી જ સમગ્ર બાબત અંગેની હકીકત સામે આવશે. સુરતમાં એક પછી એક હત્યાના કેસો વધી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊઠી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર સુરતમાં વધી રહેલી ગુનાખોરીની આ ઘટનાઓને કેવી રીતે અંકુશમાં લાવે છે.