GujaratSouth GujaratSurat

કરોડોના ડાયમંડના વેપારી મોહનો ત્યાગ કરી, 11 વર્ષની દીકરી અને પત્ની સાથે લેશે દીક્ષા

સુરતથી વધુ એક જૈન પરિવાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતનો વધુ એક જૈન પરિવાર દીક્ષા લેવા જઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના અને સુરતમાં રહેનાર ડાયમંડના વેપારી નિરવભાઈ વલાણી તેમની પત્ની અને 11 વર્ષની દીકરી સાથે ફેબ્રુઆરીમાં દીક્ષા લેવા જઈ રહ્યા છે. માતા અને પુત્રી દીક્ષા સુરતમાં જ્યારે પિતા દીક્ષા આંધ્ર પ્રદેશમાં લેશે.નોંધનીય છે કે, સુરતના વેસુમાં નંદનવન-3 માં રહેનાર ડાયમંડના વેપારી 44 વર્ષના નિરવભાઈ વેલાણી, તેમના પત્ની સોનલબેન (43 વર્ષ) અને 11 વર્ષની દીકરી વિહા સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે.

તેની સાથે માતા અને પુત્રી 10 મી ફેબ્રુઆરીના રોજ આચાર્ય રશ્મિ રત્ન સૂરીજીના પાસેથી રજોહરણ ગ્રહણ કરશે. જ્યારે નિરવભાઈની વાત કરવામાં આવે તો ગુણ હંસવિજયજી મ.સા. ના હસ્તે 17 મી ફેબ્રુઆરીના રોજ આંધ્ર પ્રદેશના તેનાલીમાં રજોહરણ ગ્રહણ કરશે.જ્યારે આ સિવાય પાંચ વર્ષ અગાઉ નિરવભાઈના પુત્ર કલશ દ્વારા પણ દીક્ષા લેવામાં આવી હતી. તે સમયે તેની ઉંમર 13 વર્ષ રહેલી હતી. અત્યારે તેઓ ક્ષમાશ્રમણ વિજયજી મહારાજ તરીકે સાધુ જીવન પસાર કરી રહ્યા છે.

પુત્રના સંયમ વૈભવને જોઈને સમગ્ર પરિવાર દીક્ષા લેવા માટે પ્રેરિત બન્યો છે. નિરવભાઈના પત્ની સોનલબેન તો લગ્ન પહેલા જ દીક્ષા લેવા ઈચ્છતા હતા, પરંતુ તેમ બની શક્યું નહોતું. તેમ છતાં હવે દીક્ષા લેવાનો માર્ગ મોકળો થતા તેઓ ખૂબ જ ખુશ છે.નિરવભાઈએ કહ્યું હતું કે, તેમની પુત્રી વિહા ત્રીજા ધોરણ સુધી જ ભણેલી છે અને તેને મોબાઈલનો ઘણો જ શોખ છે. અને તે છેલ્લા ત્રણ વર્ષથી મહારાજ સાહેબ સાથે જ રહે છે.

તેને 1500થી વધુ સંસ્કૃત શ્લોક કંઠસ્થ હોવાનું તેમજ પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, નવસ્મરણ, વૈરાગ્ય શતક, ઈન્દ્રિય પરાજ્યશતક જ્ઞાનસાગર, યોગસાગર, તત્વાર્થ, વિતરાગ સ્ત્રોત, જીવવિચાર, નવતત્વ, દંડક, સંબધો સતરી વગેરેનો અભ્યાસ ધરાવતી અને તેનું પૂરું જ્ઞાન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.નોંધનીય છે કે, સુરતમાં તાજેતરમાં જ 77 જણાને સામુહિક દીક્ષા અપાઈ હતી. તેમાં આઠથી વધુ પરિવારો દ્વારા એકસાથે સંયમમાર્ગ અપનાવવામાં આવ્યો હતો. આ અગાઉ પણ સુરતના ઘણા પૈસાદાર પરિવારના લોકો અને તેમના બાળકોએ દીક્ષા લીધી છે.