સુરતમાં મોબાઇલની લૂંટના કેસમાં આરોપીઓએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પ્રેમ પ્રકરણના કારણે ગુનાને આપ્યો અંજામ
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પાંચ જેટલા શખ્સોએ ચપ્પુની અણીએ બેમાંથી એક મિત્ર ઉપર જીવલેણ હુમલો કરીને તેની પાસેથી મોબાઇલની લૂંટ કરવાની બેનલ ઘટનાનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલી કાઢીને એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો એક આરોપી હજુ ફરાર છે. આરોપીની પૂછપરછ દરમિયાન ફોન કેમ ચોરી કર્યો તેના જવાબમાં આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, 13મી જુનના રોજ સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલ વડલા સર્કલ પાસે નજીક રાત્રીના 11.30 વાગ્યાના આસપાસના સમયમાં બે મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ચારથી પાંચ શખ્સો મોટર સાયકલ પર આવ્યા ચપ્પુની અણીએ આ બેમાંથી એક મિત્ર પર જીવલેણ હુમલો કરીને મોબાઇલની લૂંટ કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત યુવકના મિત્રએ આ સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યો હતો. ત્યારે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ લઈ સુરત પોલીસ કમિશનરે આદેશ કર્યા પછી સુરત ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં તપાસ હાથ ધરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, પોલીસે બાતમીના આધારે પુણા BRTS રોડ નજીક આવેલા શાયોના પ્લાઝા પાસેથી આ ગુનામાં આરોપી આશિષ વલ્લભભાઈ મકવાણા, સંદીપ ઉર્ફે એચપી જાદવ, આશિષ રાજુભાઇ સરવૈયા, દિપક ઉર્ફે ડીડી રાજુભાઈ સરવૈયા તેમજ અન્ય એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, ઇજાગ્રસ્ત યુવક અને આ ગુનામાં ફરાર આરોપી એવા અજીત ઉર્ફે અજ્જુ રણછોડ ભાલીયાની પત્ની આ બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ ચાલતો હતો. અને આરોપી અજીત ઉર્ફે અજજુની પત્નીના કેટલાક ફોટાઓ ઇજાગ્રસ્ત યુવકના ફોનમાં હોવાથી 1 વર્ષ પહેલા ફરાર આરોપીની પત્નીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે ઇજાગ્રસ્ત યુવકના લીધે થઈને જ પત્નીએ આપઘાત કર્યો છે તેવું માનીને આરોપી અજીત ઉર્ફે અજજુએ તેના સાગરિતો સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.