સુરત: સ્પાની આડમાં વિદેશી યુવતીઓનો દેહ વેપાર કરાતો, યુવતીઓ પણ પકડાઈ
સુરતમાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એ વેસુ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા વેશ્યાવૃત્તિના અડ્ડા પર દરોડા પાડીને ઓપરેટર અને ત્રણ ગ્રાહકો સહિત ચારની ધરપકડ કરી છે. પોલીસે સ્પામાંથી છ વિદેશી યુવતીઓની પણ અટકાયત કરી છે. જેમને ડીપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે વેસુ સ્ક્વેર ખાતે એસએનએસ પ્લેટિના કોમ્પ્લેક્સમાં ચાલતા આર વન સ્પા અને મસાજ પાર્લરમાં થાઈ મહિલાઓ નો દેહ વ્યાપાર કરાવવામાં આવે છે.
માહિતીની ખરાઈ કર્યા બાદ પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. તે દરમિયાન સ્પામાં દેહવ્યાપાર ચાલતો હતો.તે દરમિયાન ઓપરેટર, છ થાઈ છોકરીઓ અને ત્રણ ગ્રાહકો ત્યાં હાજર હતા. પોલીસે સ્થળ પરથી પાંચ મોબાઈલ અને રોકડ કબજે કરી ઓપરેટર પ્રવીણ માચર, ગ્રાહક સુરેશ ભાલિયા, જોજો થોમસ, શોભી પંચીકોઈલીની ધરપકડ કરી હતી.
પોલીસે ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલી અડધો ડઝન થાઈ મહિલાઓની પણ અટકાયત કરી હતી અને તેમના વિશે વિદેશ મંત્રાલયને જાણ કરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી કે સ્પાનો માલિક દીપક કુમાર છે. તે થાઈલેન્ડની યુવતીઓને થાઈલેન્ડની મહિલા સ્માઈલી ઉર્ફે નમાઈ ચિમખોનબુરી મારફતે ભારતમાં બોલાવતો હતો અને તેમની પાસેથી દેહવ્યાપાર કરાવતો હતો.