Gujarat

વીરપુર: ચાલુ પંચાયત દરમિયાન જ તલાટી માણી રહ્યા છે દારૂની મહેફિલ

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ રહી ગઈ છે. મહીસાગરના વીરપુર ખાતે આવેલ ડેભારી ગામના તલાટી ચાલુ પંચાયત દરમિયાન દારૂ પિતા હોવાની ઘટના સામે આવી છે. ડેભારીના તલાટી રમેશભાઈ ચાલુ પંચાયત દરમિયાન દારૂ પિતા વીડિઓમાં કેદ થઈ ગયા છે. ગામના લોકોએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને અનેક વખત જાણ કરી છે, તેમ છતાં તલાટી રમેશભાઈને જાણે કોઈનો ડર જ ના હોય તેમ પંચાયતમાં જ અવારનવાર દારૂની મહેફિલ માણતા હોય છે.

સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, છેલ્લા એક વર્ષથી અમે લોકોએ આ અંગે જિલ્લા વહીવટી તંત્રને અનેક વખત રજુઆત કરી છે. પરંતુ આજ સુધી કોઈપણ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી. આ અંગે સ્થાનિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, તલાટી રમેશભાઈ અવારનવાર ચાલુ પંચાયત દરમિયાન દારૂ પિતા હોય છે. આ મામલે વહીવટી તંત્રને અનેકો રજૂઆતો કરી હોવા છતાં પણ તલાટી ડર્યા વિના દરરોજ પંચાયતમાં દારૂ પિતા હોય છે.

સ્થાનિકોએ સરકારને વિનંતી પણ કરી છે કે અમારા ગામના તલાટીને તાત્કાલિક અસરથી બદલવામાં આવે જેથી અમારા ગામનો વિકાસ થઇ શકે. તમને જણાવી દઈએ કે, મહિસાગર જિલ્લાના ડેભારી ગ્રામ પંચાયતના તલાટી રમેશભાઈનો ચાલુ પંચાયત દરમિયાન દારૂ પિતા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે, તલાટી મંત્રી પોતે પંચાયતની ઓફિસના જ ટેબલ પર ગ્લાસમાં દારૂ ભરી રહ્યાં છે. અને તેમની સાથે અન્ય લોકો પણ દારૂની મહેફિલ માણતા દેખાઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, આ મામલે જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ શું કાર્યવાહી કરે છે.