અરવલ્લી: પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા જતા મહિલા શિક્ષિકાનું કાર અકસ્માતમાં મોત
આજે 26મી જાન્યારીના રોજ સમગ્ર દેશ 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે આજના જ દિવસે એક શિક્ષિકાનું પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા જતા કાર અકસ્માત થતા મૃત્ય થયું છે. આજે સવારે અરવલ્લી જિલ્લામાં એક ભયંકર કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક શિક્ષિકા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે કાર લઈને શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં ભયંકર અકસ્માત થતાં શિક્ષિકા મોતને ભેટ્યા હતા. ત્યારે અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક શિક્ષિકા નામ રાગીણી પટેલ હોવાનું જાણવા મળ્યું છે. રાગીણી પટેલ મોડાસાના સરડોઈની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે રાયગઢથી કાર લઈને સરડોઈ જઈ રહ્યા હતા. જો કે, મોડાસા તાલુકાના ખંભીસર નજીક કારનું ટાયર ફાટી જતા કાર પલટી મારી ગઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે કારના કુચ્ચે-કુચ્ચા થઇ ગયા હતા. અને શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસને અકસ્માત થયેલ કારમાંથી પરીક્ષાના પેપર પણ મળ્યા હતા. પોલીસે શિક્ષિકાના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ચાલુ ગાડીએ કારનું ટાયર ફાટયા બાદ બીજી કારની અડફેટે આવતાં કારના કુચ્ચે-કુચ્ચા થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકામાં પણ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ભિલોડા તાલુકાના લાલપુર ગામે પાંચ વર્ષની બાળકી મેશ્વો કેનાલમાં ડૂબી ગઈ હતી. બાળકીનો મૃતદેહ પાણીમાં તણાઈને ટીંટોઈ પાસે આવ્યો હતો. આ મામલાની જાણ થતાં ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.