Gujarat

ગુજરાતમાં શરમજનક ઘટના: છેડતી થતાં વિદ્યાર્થિનીઓ ચાલુ વાનમાંથી કૂદી પડી

ગુજરાતને શરમાવે એવો કિસ્સો છોટાઉદેપુરથી સામે આવ્યો છે. છેડતીના ડરથી સંખેડા તાલુકાના કુંદિયા ગામ નજીક નસવાડી બોડેલી રોડ પર ચાલતી પીકઅપ વાનમાંથી વિદ્યાર્થીનીઓ કૂદી પડી હતી. ચાલતા વાહનમાં વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવી હતી જેના કારણે વિદ્યાર્થીનીઓ ડરી ગઈ હતી અને કૂદી પડી હતી. વિદ્યાર્થીઓને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

સંખેડા પોલીસે આ ઘટના બાદ એક યુવકની અટકાયત કરી છે. બુધવારે બપોરે ગામની શાળામાં અભ્યાસ કરીને ઘરે પરત ફરતી વખતે વિદ્યાર્થીઓ કુંદીયા ગામ જવા માટે બસ સ્ટેન્ડ પર ઊભી હતી જો કે બસ ન આવતા તેઓએ ખાનગી પીક અપ વાનમાં જવું પડ્યું હતું. આ વિદ્યાર્થીનીઓ વાનના પાછળના ભાગમાં સવાર હતી.

વાનમાં આગળના ભાગે ડ્રાઇવર સાથે અન્ય ત્રણ લોકો અને પાછળ બે લોકો બેઠા હતા. વિદ્યાર્થિનીઓ વાનમાં બેસી ગઈ તે બાદ ડ્રાઇવરે વાન ખૂબ જ વધુ ગતિએ હંકારી હતી. મળતી વિગતો મુજબ કેબિનમાં બેઠેલા બે વ્યક્તિઓ બાદમાં પાછળના ભાગમાં આવી ગયા હતા અને પાછળ બેઠેલા તમામ ચાર લોકોએ વિદ્યાર્થિનીના શરીરના ભાગે અડપલા કર્યા હતા.

ચાલુ ગાડીમાં જ છેડતી થતાં વિદ્યાર્થિનીઓ ખૂબ જ ડરી ગઇ હતી. ડ્રાઇવરને વાન ઉભી રાખવા કહ્યુ છતાં ડ્રાઇવરે વાન ઊભી રાખી ન હતી એટલે વિદ્યાર્થિનીઓ ડરને કારણે ચાલુ વાનમાંથી બહાર કૂદી ગઇ હતી. ગભરાયેલી છ વિદ્યાર્થિનીઓ એક સાથે ચાલુ વાનમાંથી કૂદકો મારીને બહાર પડી હતી. જે બાદમાં પીકઅપ ગાડીના ચાલકે પોતાની ગાડી ભગાવી દીધી હતી.