16 હજાર ફૂટની ઊંચાઈએ ઉડતા પ્લેનની બારી નીચે પડી, ભયનો માહોલ સર્જાયો, જુઓ વિડીયો

Alaska Airlines Video: જાપાન એરલાઈન્સના વિમાન દુર્ઘટના બાદ બીજી મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ છે. અલાસ્કા એરલાઇન્સના ઉડતા બોઇંગ 737 પ્લેનની બારી અચાનક ઉખડીને નીચે પડી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ પછી અચાનક વિમાનના ઓક્સિજન માસ્ક ધડાકા સાથે નીચે પડવા લાગ્યા. જેના કારણે પ્લેનના તમામ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા મુસાફરો ઓક્સિજન માસ્ક પહેરેલા જોવા મળે છે.

પાયલોટે તરત જ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ પછી તમામ મુસાફરોને તરત જ નીચે ઉતારવામાં આવ્યા હતા. જેના કારણે પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર સહિત તમામ 180 મુસાફરોના જીવ બચી ગયા હતા. અલાસ્કા એરલાઈન્સની એક બારી અચાનક તૂટી પડતાં તેને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જેના કારણે બારી પાસે બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ સમય દરમિયાન, ઘણા પરેશાન મુસાફરોના ફોન અને અન્ય વસ્તુઓ પણ પ્લેનમાંથી બહાર પડી ગઈ હતી.

ઘણા મુસાફરોએ આ ડરામણી ક્ષણનો વીડિયો શેર કર્યો છે. પ્લેન પોર્ટલેન્ડ, ઓરેગોનથી કેલિફોર્નિયાના ઓન્ટારિયો જઈ રહ્યું હતું. પ્લેનની બારી તૂટ્યા પછી કેબિનનું દબાણ ઘટી ગયું. જેના કારણે ઓક્સિજન માસ્ક મુસાફરોની પાસે નીચે પડવા લાગ્યા હતા. પ્લેન ધ્રુજારી શરૂ થયા બાદ પાયલોટે પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટના શુક્રવારે સાંજે બની હતી.

આ ઘટના અલાસ્કાની ફ્લાઈટ 1282, બોઈંગ 737-9 મેક્સ પર બની હતી. ઓનલાઈન ઉપલબ્ધ એફએએ રેકોર્ડ્સ અનુસાર, ફ્લાઇટના માત્ર બે મહિના પહેલા નવેમ્બર 2023 માં ફેડરલ એવિએશન ઓથોરિટી (FAA) દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર મુસાફરોના જણાવ્યા અનુસાર, તેઓએ જોરદાર ધડાકો સાંભળ્યો અને જોયું કે વિમાનની એક બારી ઉખડી ગઈ હતી અને નીચે પડી ગઈ હતી. જ્યારે આ અકસ્માત થયો ત્યારે પ્લેન 16,000 ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. આ વિમાનમાં 6 ક્રૂ મેમ્બર સહિત કુલ 180 મુસાફરો સવાર હતા. બારી ફાટી જવાને કારણે પ્લેનની દિવાલમાં મોટું ગાબડું દેખાઈ રહ્યું હતું. જેના કારણે મુસાફરોની પરેશાની વધી હતી.

કેટલાક મુસાફરોના ફોન પણ ખોવાઈ ગયા હતા, જે પ્લેનમાંથી બારીમાંથી પડી ગયા હતા. બારી પાસેની સીટ પણ ડીકમ્પ્રેસન થવાને કારણે ઉડી ગઈ હતી. પરંતુ હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. અલાસ્કા એરલાઈન્સે એરપોર્ટ પરની ઘટનાનો સ્વીકાર કર્યો અને કહ્યું કે જ્યારે તે ઉપલબ્ધ થશે ત્યારે તેઓ વધુ માહિતી આપશે.