અમરેલીમાં હનુમાનપુર ગામે વીજકરંટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત
અમરેલીના ખાંભા ના હનુમાનપુર ગામથી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોને વીજકરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું છવાઈ ગયું છે. જ્યારે રેતી વોશિંગ ના મશીન માં વીજ કરંટ લાગતા આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.
જાણકારી મુજબ, અમરેલી જિલ્લાના ખાંભા ના હનુમાનપુર ગામમાં ત્રણ યુવકોને વીજકરંટ લાગ્યો હતો. આ તમામને 108 મારફતે ખાંભા ખાતે આવેલ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. તેમ છતાં ફરજ પર હાજર તબીબ દ્વારા આ તમામને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, મકાનનું કામ ચાલતું હોવાના લીધે રેતી વોશ કરવામાં આવી રહી હતી. રેતી વોશિંગ ના મશીનમાં વીજ કરંટ લાગતા પથુભાઈ અને માનકુભાઈ બે સગા ભાઈ અને તેમના ભત્રીજા ભવદીપ બોરીચા નું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે પોલીસ દ્વારા આ ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. એવામાં આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં અને સમગ્ર ગામમાં શોકમય વાતાવરણ બન્યું છે.