Ajab GajabIndia

ટ્રેનમાં ભૂખના કારણે બાળક રડવા લાગ્યું, માતાએ રેલવે મંત્રીને કર્યું ટ્વિટ અને ગણતરીની મીનીટમાં દૂધ પહોચી ગયું

ઉત્તર પ્રદેશમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક મહિલાનું આઠ મહિનાનું બાળક જ્યારે ભૂખથી રડવા લાગ્યું ત્યારે તેણે આ અંગે ટ્વિટ કરીને રેલવે મંત્રીને જાણ કરી હતી. અંજલિ તિવારી નામની આ મહિલાએ ટ્વિટ કરતા પહેલા પોતાના પરિવારના સભ્યો સાથે ફોન પર વાત પણ કરી હતી, ત્યારબાદ તેણે હિંમત બતાવી અને રેલવે મંત્રીને ટ્વિટ કર્યું. સારી વાત એ છે કે ટ્વીટના 23 મિનિટ પછી જ રેલવે પ્રશાસને કાનપુર સેન્ટ્રલ ખાતે બાળકને દૂધ પૂરું પાડ્યું. મહિલાએ ફોન પર રેલવે અધિકારીઓનો આભાર માન્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજલિ તિવારી LTT એક્સપ્રેસના AC 3 કોચમાં મુસાફરી કરી રહી હતી. તે સુલતાનપુર જઈ રહી હતી, તે દરમિયાન તેની આઠ મહિનાની બાળકી ભૂખને કારણે જોર જોરથી રડવા લાગી. તે સમયે તેની પાસે દૂધ ન હતું. આવી સ્થિતિમાં આ મહિલાએ પહેલા તેના પરિવારના સભ્યો સાથે વાત કરી. જે બાદ રેલવે મંત્રીને ટ્વીટ કરીને પોતાની સમસ્યાની જાણકારી આપી હતી. તેના ટ્વીટના થોડા સમય બાદ તેને રેલવે પ્રશાસનની મદદ મળી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૂળ સુલતાનપુરની રહેવાસી અંજલિ તિવારી તેના બે બાળકો સાથે ઘરે આવવા માટે LTT એક્સપ્રેસના B-1 કોચના 17 અને 20 નંબરમાં સવાર થઈ હતી. આ દરમિયાન જ્યારે ટ્રેન ભીમસેન સ્ટેશન પહોંચવાની હતી ત્યારે તેનું બાળક ભૂખથી રડવા લાગ્યું.

કાનપુર સેન્ટ્રલના ડેપ્યુટી સીટીએમ હિમાંશુ શેખર ઉપાધ્યાયની સૂચના પર એસીએમ સંતોષ ત્રિપાઠીએ બાળક માટે દૂધની વ્યવસ્થા કરી હતી. જ્યારે ટ્રેન 15.15 વાગ્યે કાનપુર સેન્ટ્રલના પ્લેટફોર્મ નંબર નવ પર આવી ત્યારે કોચમાં જઈને ગરમ દૂધ આપ્યું. આ સિવાય જ્યારે સંતોષ ત્રિપાઠીએ અંજલિ સાથે ફોન પર વાત કરી તો તેણે આ મદદ માટે રેલવે પ્રશાસનનો આભાર માન્યો. આ ટ્રેન 8 મિનિટ પછી કાનપુરથી સુલતાનપુર જવા રવાના થઈ હતી.