ઝુંડાલ બ્રિજ નીચે ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બે મિત્રનાં મોત, એક ની હાલત ગંભીર
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ગાંધીનગરના ઝુંડાલથી સામે આવ્યો છે.
ગાંધીનગરના ખોરજમાં રહેનાર ત્રણ મિત્રો ચાંદખેડા તરફ ચા લેવા માટે એક્ટીવા લઈને નીકળેલા હતા. જ્યારે ચા લઇને પરત આવી રહ્યા હતા તે સમયે ઝુંડાલ બ્રીજ પાસે એક ટ્રક ચાલક દ્વારા એક્ટીવાને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે ત્રણેય મિત્રો રોડ ઉપર પટકાયા હતા. જેમાં એક મિત્રનુ ઘટનાસ્થળ જ મોત નીપજ્યું હતુ. જ્યારે અન્યનુ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. તે સિવાય અન્ય એક મિત્ર ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. આ ઘટનાને લઇને અજાણ્યા ટ્રક ચાલક સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો..
જાણકારી મુજબ, ખોરજ ગામમાં રહેનાર ત્રણ મિત્રો યુવરાજ ગોવિંદજી ઠાકોર, અમીત બળવંતજી ઠાકોર અને દર્શિલ જીતેન્દ્રકુમાર ઠાકોર સાથે જ નોકરી કરતા હતા. એવામાં ગઈ કાલ રાત્રીના સમયે એક્ટીવા નંબર જીજે 18 એએફ 7544 લઇને ત્રણેય મિત્રો ચાંદખેડા તરફ ચા લેવા માટે નીકળ્યા હતા. ત્યાર બાદ ચા લઇને પરત ખોરજ તરફ તે પરત આવી રહ્યા હતા. એવામાં ઝુંડાલ બ્રીજ નીચેથી તે પસાર થતા એક ટ્રક ચાલક દ્વારા એક્ટીવાને અડફેટે લેવામાં આવ્યું હતું. ટ્રકની ટક્કરના લીધે એક્ટીવા હવામાં ફંગોળાઇને રસ્તા પર પટકાયું હતું. જેમાં યુવરાજનુ ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અમીત ઠાકોરનુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રીજા મિત્ર દર્શિલને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
આ ઘટનાને લઇ મૃતક યુવકના કાકા વિષ્ણુજી જવાનજી ઠાકોર દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત કરી મોત નિપજાવનાર ફરાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એક જ ગામના બે યુવકો અને બંને મિત્રોના મોત થતા ગામમાં ગમગીન વાતાવરણ છવાઈ ગયું છે.