DelhiBjpNewsPolitics

ઉદ્ધવ ઠાકરે એ કહ્યું- યુવાનો પર લાઠીચાર્જ થયો, સરકાર બદલવી પડશે

દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)નું વિરોધ પ્રદર્શન આજે 33મા દિવસે પણ યથાવત રહ્યું છે. પાર્ટીના નેતા અભિજીત દીપકે મંગળવારે જણાવ્યું કે હવે તેમની તરફથી સરકાર સાથે વાતચીત માટે કોઈ પ્રતિનિધિ નહીં જાય. જો સરકારને ચર્ચા કરવી હોય તો તેણે જંતર-મંતર પર આવીને પ્રદર્શનકારીઓ સાથે વાત કરવી પડશે.

મંગળવાર સાંજથી જંતર-મંતર પર ફરી મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા લાગ્યા હતા. પ્રદર્શનમાં એવા લોકો પણ જોડાયા હતા, જેઓ 20 જુલાઈના સંસદ માર્ચ દરમિયાન પોલીસના લાઠીચાર્જ અને ટિયર ગેસનો સામનો કરી ચૂક્યા હતા.બીજી તરફ, CJPના આંદોલનને સમર્થન આપી રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના અનશનનો આજે 25મો દિવસ છે. તબિયત લથડતાં તેમને મંગળવારે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા વાંગચુક સાથે વાતચીત શરૂ કરવાની પહેલ કરવામાં આવી છે.

જંતર-મંતર પર આયોજિત કાર્યક્રમમાં શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ હાજરી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ અહીં ભાષણ આપવા નહીં, પરંતુ યુવા શક્તિને સલામ કરવા આવ્યા છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે દેશના ઈતિહાસમાં આઝાદી બાદ પહેલીવાર વિદ્યાર્થીઓ અને યુવાનો પર આ પ્રકારનો લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.

મંગળવારે રાત્રે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે હોસ્પિટલમાં જઈ સોનમ વાંગચુકની મુલાકાત લીધી હતી. CJP અને સોનમ વાંગચુક બંને નીટ પેપર લીક કેસ અને વિદ્યાર્થીઓની આત્મહત્યાના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે.

આ દરમિયાન CJPએ મંગળવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે 20 જુલાઈના સંસદ માર્ચ દરમિયાન અટકાયતમાં લેવાયેલા તમામ પ્રદર્શનકારીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ પાર્ટીએ દિલ્હી પોલીસ મુખ્યાલય બહાર ચાલી રહેલું પોતાનું ધરણું સમાપ્ત કરવાની પણ જાહેરાત કરી છે.