GujaratInternationalUSA

કબૂતરબાજી દ્વારા અમેરિકામાં ઘૂસેલા ગુજરાતીઓ પર લટકી તલવાર, અમેરિકાની એમ્બેસીને કરવામાં આવશે જાણ

ગાંધીનગર પોલીસે હાલમાં કબૂતરબાજી કૌભાંડ પર્દાફાશ કર્યો હતો, આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં પ્રજાપતિ રાજુ, હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા રજત ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. આ કબૂતરબાજી કૌભાંડના આરોપીઓ કરોડો રૂપિયા લઈને ગેરકાયદે રીતે લોકોને વિદેશમાં મોકલતા હતા.

આ આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવડાવી ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરાવી દેતા હતા અને ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે યુ.એસ બોર્ડરથી ઘૂસણખોરી કરવામાં આ આરોપીઓ સંડોવાયેલા હતા. આ આરોપી દ્વારા અત્યાર સુધીમાં 30 જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલી દીધા હોવાનું સામે આવ્યું છે, ત્યારે હવે આ રીતે કબૂરબાજી દ્વારા અમેરિકામાં ઘૂસેલા ગુજરાતીઓ પર હવે લટકી તલવાર જોવા મળી રહી છે. આ રીતે કબૂતરબાજીથી ઘૂસેલાં ગુજરાતી લોકોની જાણ અમેરિકાની એમ્બેસીને કરવામાં આવશે. આવા પ્રકારની ઘટનાઓ બનતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ હવે એક્ટિવ થઇ ગઈ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સૂત્રોનું માનવામાં આવે તો આ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા ગુજરાતીઓની જાણ અમેરિકાની એમ્બેસીને કરવામાં આવશે. અને જો આ અંગે જરૂર પડશે તો લુકઆઉટ નોટિસ પાઠવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઉપરાંત આ રીતે ગેરકાયદેસર રીતે ઘૂસાડી રહેલા આ કબૂતરબાજીમાં અન્ય એજન્ટો પણ સક્રિય છે કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.

આ મામલે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઝડપાયેલા એજન્ટ હરેશ પટેલ મારફતે જે ગુજરાતીઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસ્યા છે. એવા લોકોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા આ કબૂતરબાજીના કાવતરાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

આ કામ માટે એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ રૂપિયા લેવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ બાબત ક્રાઇમ બ્રાન્ચના ધ્યાન પર આવતા આખા રેકેટનો પર્દાફાશ કરી દીધો હતો. જો કે આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલાય લોકોને આ રીતે બનાવટી પાસપોર્ટ બનાવી દઈને વિદેશ મોકલી આપ્યા છે. જેમના પર હવે સંકટ મંડરાઈ રહ્યું છે.