GujaratSouth GujaratValsad

વલસાડ: લગ્ન બાદ ગૃહ પ્રવેશને બદલે પોલિસ સ્ટેશનમાં થયો પ્રવેશ, નેતાઓને જલસા અને આમ આદમી ની પહેલી રાત પોલિસ સ્ટેશનમાં

દરેક વ્યક્તિ પોતાના લગ્નને લઈને ખુબ જ ઉત્સુક હોય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ કપલે તેમના લગ્ન બાદ ગૃહ પ્રવેશની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કર્યો હોય? વલસાડ શહેરમાં આવીજ એક વિચિત્ર ઘટના સામે આવી છે. વલસાડમાં ગઈ કાલે રાત્રે એક જાન લગ્ન કરીને પરત ફરી રહી હતી. પરંતુ રાત્રી કર્ફ્યુનો સમય શરૂ થઇ ગયો હોવાથી પોલીસે જાનને રોકી હતી. અને વર-વધુ તેમજ જાનૈયાઓને પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને હાલ સમગ્ર ગુજરાતમાં માહોલ ગરમાયો છે.

મળતી માહિતી અનુસાર, વલસાડ નગરપાલિકાનાં પૂર્વ કોર્પોરેટર રાજુ મરચાનાં પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. ગઈ કાલે લગ્ન કર્યા બાદ મોડી રાત્રે વર-વધુ સહિત તમામ જાનૈયાઓ પરત ફર્યા હતા. અને કર્ફ્યુનો સમય શરૂ થઇ જતા પોલીસ પેટ્રોલિંગ શરૂ થઇ ગયું હતું. ત્યારે પોલીસે નાઈટ કર્ફ્યુમાં લગ્ન કરીને પરત ફરી રહેલ જાનને રોકી હતી. અને વરરાજા અને નવવધુ સહીત તમામ જાનૈયાઓને પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા.

તેમજ પૂર્વ કોર્પોરેટર રાજુ મરચાંની પણ અટકાયત કરી હતી. અને દરેકની વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઘટના અંગે પરિવારજનોએ કહ્યું હતું કે, સરકારે જયારે વલસાડ સહીત અનેક શહેરોમાં નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી તે પહેલા જ લગ્નની તારીખ અને સમય નક્કી થઇ ચુક્યો હતો. અને લગ્નની પત્રીકાઓ પણ વહેંચાઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા જ વલસાડ શહેરમાં રાત્રી કરફ્યુનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ લગ્નનું આયોજન અગાઉથી થઇ ગયું હોવાથી પરિવારે તે જ સમય પ્રમાણે લગ્ન કર્યા હતા. પરંતુ આખરે લગ્નને કોરોનાના કારણે લાદેલ નાઈટ કર્ફ્યુનું ગ્રહણ લાગ્યું હતું. અને વર-વધુ સહીત જાનૈયાઔનો મૂડ ખરાબ થઇ ગયો હતો.