વિરાટ કોહલીના ટેસ્ટ કેપ્ટનશિપ છોડવા પર સૌરવ ગાંગુલીનું નિવેદન, કહ્યું આવું
પૂર્વ ભારતીય કેપ્ટન અને વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ રવિવારે રાત્રે વિરાટ કોહલીના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપી હતી. ગાંગુલીનું કહેવું છે કે આ કોહલીનો અંગત નિર્ણય છે, જેનું બીસીસીઆઈ સન્માન કરે છે.
ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીએ ટ્વીટ કર્યું, “વિરાટના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટે રમતના તમામ ફોર્મેટમાં ઝડપી પ્રગતિ કરી છે.. તેનો નિર્ણય વ્યક્તિગત છે અને બીસીસીઆઈ તેનું ખૂબ સન્માન કરે છે.. તે આ ટીમને ભવિષ્યમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે.અહેવાલ છે કે ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લેતા પહેલા કોહલીએ ગાંગુલી સાથે કોઈ ચર્ચા કરી ન હતી. શક્ય છે કે કોહલીના ટી-20 કેપ્ટનશીપ છોડવાના નિર્ણયને લઈને થયેલી તકરારનું આ પરિણામ હોય.
વાસ્તવમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા, BCCIએ T20 કેપ્ટનશીપ છોડી દેનાર વિરાટ કોહલીને ODI કેપ્ટન પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો, જેની પાછળ બોર્ડનો તર્ક હતો કે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં બે કેપ્ટન હોઈ શકે નહીં. આ દરમિયાન બોર્ડ પ્રેસિડેન્ટ ગાંગુલીએ નિવેદન આપ્યું હતું કે તેણે કોહલીને વર્લ્ડ કપ પછી T20 ફોર્મેટની કેપ્ટન્સી છોડી દેવા માટે કહ્યું હતું, પરંતુ જ્યારે કોહલી રાજી ન થયો તો BCCIને ODI ટીમનો કેપ્ટન બદલવાની ફરજ પડી. .
જોકે દક્ષિણ આફ્રિકા જતા પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોહલીએ ગાંગુલીના આ નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધું હતું. કોહલીએ સ્પષ્ટપણે કહ્યું કે BCCI તરફથી આ મુદ્દે તેમની સાથે કોઈએ વાત કરી નથી અને તેમને ODI કેપ્ટન પદ પરથી હટાવવાની માહિતી બોર્ડ મીટિંગના એક કલાક પહેલા જ આપવામાં આવી હતી.
મામલો ત્યારે વધી ગયો જ્યારે મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ 31 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરતા પહેલા ગાંગુલીના શબ્દોનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે બોર્ડ પ્રશાસકોએ કોહલીને T20 ની કેપ્ટનશીપ છોડતા રોકવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આ ભારતીય દિગ્ગજ બેટ્સમેન તેના નિર્ણય પર અડગ હતા.