લગ્ન જીવનમાં જયારે શંકા-કુશંકાઓ થવા લાગે ત્યારે સંબંધમાંમોટા ભૂકંપ આવતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં સામે આવી છે. જેમાં પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પણ મહિલા નવા અને સારા કપડા પહેરે ત્યારે તેનો પતિ શંકા કરતો હતો કે તેણીને બીજા કોઈ વ્યક્તિ સાથે સબંધ છે. અને આ જ બાબતને લઇને પત્ની સાથે ઝઘડો થતા તેણે પોતાની પત્નીની હત્યા કરીને બરોડા ફરાર થઈ ગયો હતો. આરોપી ત્યાંથી પણ ફરાર થવાની ફિરાકમાં હતો જો કે, પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછ દરમિયાન હજુ ઘણા ખુલાસા થઈ શકે છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આમિર ખાન પઠાણ નામનો શખ્સ પોતાની પત્ની પર શંકા કરતો હતો કે તેની પત્નીને બીજા કોઈ વ્યક્તિ સાથે સંબંધ છે. અને અવારનવાર આ વાતને લઈને બંને પતિ-પત્ની વચ્ચે ઝગડા પણ થતા હતા. ત્યારે 13 ફેબ્રુઆરીના રોજ પતિ અચાનક બપોરના સમયે ઘરે આવીને તેની પત્ની સાથે આ બાબતને લઈને ઝઘડો શરુ કરી દીધો હતો. આ ઝઘડામાં જ ગુસ્સામાં આવીને તેણે પોતાની જ પત્ની પર છરીના ઘા કર્યા હતા. અને ઘટનાસ્થળે જ આરોપીની પત્નીનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ વડોદરા ભાગી ગયો હતો. ત્યારે પોલીસને આ વાતની જાણ થતા જ વડોદરા રેલવે સ્ટેશન પાસેથી આરોપી પતિની ધરપકડ કરી લેવામાં આવી હતી, આમિર ખાન પઠાણ વડોદરાથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ભાગી જવાની ફિરાકમાં હતો. વડોદરામાં આરોપી આમિરને ડૉક્યુમેન્ટ વિના નોકરી ના મળતા તેણે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં એક સબંધીના ઘરે ભાગી જવાનું નક્કી કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, આરોપી આમિર ખાન પઠાણની પૂછપરછ દરમિયાન માહિતી સામે આવી છે કે તેણે પોતાની પત્ની આફરીનબાનુ પર બીજા કોઈ વ્યક્તિ સાથે સબંધ હોવાની શંકા હોવાના લીધે ઘરમાં અવારનવાર ઝગડા થતા હતા. અને આજ બાબતને લઈને આરોપી પતિએ 13 ફેબ્રુઆરીના રોજ તેની પત્નીની છરીના ઘા કરીને હત્યા કરી હતી. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.