કર્ણાટકના ભૂતપૂર્વ CM યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો, આત્મહત્યાની આશંકા
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના ઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેમની પૌત્રી બેંગલુરુમાં આવેલ ઘરમાં મૃત હાલતમાં મળી આવી હોવાની જાણકારી સામે આવી છે. આ મામલામાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 30 વર્ષીય સૌંદર્યા પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવી છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોરિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, સૌંદર્યાએ આત્મહત્યા કરી હોવી જોઈએ પરંતુ તપાસ હાથ ધરવામાં આવી છે. સૌંદર્યા નીરજની વાત કરીએ તો તે એક ડોક્ટર છે અને તે એમએસ રમૈયા હોસ્પિટલમાં ફરજ બજાવી રહી હતી. તેણે ડોક્ટર નીરજ સાથે 2019 માં લગ્ન કર્યા હતા.
આ ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, આ ઘટના સવારના 10 વાગ્યે ઘટી હતી. કેમકે જ્યારે ઘરના નોકર દ્વારા વારંવાર બારણું ખખડાવવામાં આવ્યું હોવા છતાં કોઈએ તેને દરવાજો ખોલ્યો નહોતો. ત્યાર બાદ નોકર દ્વારા ડોક્ટર નીરજને ફોન કરવામાં આવ્યો હતો.
આ સમાચાર સાંભળી નીરજ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. નીરજ દ્વારા ઘરમાં આવીને દરવાજો ખોલવામાં આવ્યો તો સૌંદર્યા બેડરૂમમાં મૃત હાલતમાં જોવા મળી હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવ્યું છે કે, સૌંદર્યાએ આત્મહત્યા કરી છે.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, આ ઘટનાની જાણકારી મળતાજ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ, કેટલાક મંત્રીઓ અને ભારતના કેટલાક સીનિયર કાર્યકર્તાઓ સાથે યેદિયુરપ્પાના ઘરે પહોંચી ગયા હતા. જયારે શોક વ્યક્ત કરતા પરિવારને સાંત્વના પણ પાઠવી હતી.