લગ્ન દરમિયાન વરરાજાને સારી જગ્યાએ ઉતારો ન આપતા જાનૈયાઓ પાછા જતા 181 અભયમ ટીમ આવી મદદે
હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે દુલ્હન વરરાજાના પરિવારો સહિત જાનૈયાઓ ધામધૂમથી લગ્નમાં મજા માણી રહ્યા છે. જો કે આ દરમિયાન એક એવો બનાવ સામે આવ્યો છે જેમાં એક લગ્ન તૂટતાં તૂટતાં રહી ગયા છે. આ બનાવ દાહોદ શહેર નજીક આવેલા એક ગામમાંથી સામે આવ્યો છે. જેમાં એક કન્યાના લગ્ન 30 કિમી દૂર આવેલા ગામમાં શનિવારે નક્કી કરવામાં આવ્યા હતા.
આ બનાવમાં જાનૈયાઓ કોઈને કોઈ કારણોસર જાન નક્કી કરવામાં આવેલા સમય કરતા ઘણા મોડા આવ્યા હતા. જેના કારણે કન્યા પક્ષે તેમને ઠપકો આપ્યો હતો. જો કે કન્યા પક્ષે જાનૈયાઓને ઠપકો આપતા વર પક્ષને માઠુ લાગી આવ્યું હતું જેના કારણે બંને પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જો કે આ મામલો માંડ-માડ શાંત પાડવામાં આવ્યો હતો.
જો કે, આ લગ્ન દરમિયાન વરને પણ ઉતારો આપવામાં આવ્યો હતો તે સ્થળ જાનૈયાઓને પસંદ આવ્યુ ન હતું. ત્યારબાદ આ મામલે બંને પક્ષ વચ્ચે ફરી થી આ અંગે બોલાચાલી થઇ હતી. જેના કારણે મામલો વધુ ગરમાયો હતો. કે વરરાજા પણ લગ્ન ન કરવા માટે કહેવા લાગ્યા હતા અને જાન પરણ્યા વગર જ પાછા જવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ મામલે કન્યા પક્ષે ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની વાત કોઈ માન્યું ન હતું. અને જાન લગ્ન કર્યા વગર જ પાછી વળી ગઇ હતી.
જો કે, આ સમગ્ર મામલે 181 મહિલા હેલ્પ લાઇન ઉપર ફોન કરીને જણાવી હતી અને તેમની મદદ માંગી હતી. ત્યારબાદ 181ના કાઉન્સિલરો કન્યાના ઘરે પહોંચી આવ્યા હતા અને સમગ્ર ઘટના જાણ્યા બાદ જાનની પાછળ ગાડી દોડાવી હતી. અને જાનને 181ના કાઉન્સિલરોએ અધવચ્ચે રોકીને તેમની પણ વાત સાંભળીને બંને પક્ષને સમજાવીને તેમની ગેરસમજ દૂર કરીને લગ્ન કરાવ્યા બાદ આ ઘટના ચર્ચામાં આવી હતી.