રાજુલાની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા

રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં દુઃખદ બનાવ સામે આવ્યો છે, જ્યાં ન્હાવા ઉતરેલા ચાર યુવાનો ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને યુવાનોની શોધખોળ ચાલુ છે. બચાવ માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી છે, જેથી બોટની મદદથી શોધ કામગીરી ઝડપથી હાથ ધરાય.
આ ઘટના અંગે ઈન્ચાર્જ મામલદાર ભગીરથ ચૌહાણે જણાવ્યું કે, “ચાર યુવાનો ડૂબ્યા હોવાની માહિતી મળતા જ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. કોસ્ટગાર્ડ અને અન્ય બચાવ ટીમોને પણ સહાય માટે બોલાવવામાં આવી છે.”
સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને નદીના પ્રવાહમાં ઉતરી બચાવ કામગીરીમાં સહભાગી બન્યા છે. સમગ્ર વિસ્તારમાં આ દુર્ઘટનાને લઈને શોક અને ચિંતા ફેલાઈ છે.

