65 લાખની કિંમતના એક કિલો સોનાના બિસ્કિટની લૂંટ કરનાર 4 યુવકો સુરતથી પકડાયા
ખટોદરા પોલીસ સ્ટેશનમાં 65 લાખની કિમતના સોનાના બિસ્કિટની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે 4 યુવકોની ધરપકડ કરી છે. ચારેય ઈન્દોરના રહેવાસી છે. તેમાં 29 વર્ષીય બિઝનેસમેન દેવેન્દ્ર કૈલાશ નરવરિયા, 21 વર્ષીય વિદ્યાર્થી મોહિત રાઘવેન્દ્ર વર્મા, 20 વર્ષીય સૌરભ મુકેશ વર્મા અને 22 વર્ષીય પીયૂષ મોહનલાલ યાદવનો સમાવેશ થાય છે.
30મી મેના રોજ કાપડિયા હેલ્થ ક્લબ પાસે બપોરે 2.30 વાગ્યે 4 લોકો કારમાં આવ્યા હતા અને જ્વેલર્સ પાસેથી 100 ગ્રામના 10 સોનાના બિસ્કિટ લઈને ભાગી ગયા હતા. ચારેયને શોધી કાઢવા માટે સુરત પોલીસ કમિશનરે મામલો ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે લૂંટ કરનાર ઈન્દોરના ચાર આરોપીઓ કરજણ-બરોડા થઈને મધ્યપ્રદેશ જવાના છે.
ક્રાઈમ બ્રાન્ચ અને ખટોદરા પોલીસની ટીમે બરોડા ગ્રામ્યની વરણામા પોલીસની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 3 મોબાઈલ અને રૂ.65 લાખ કિંમતના સોના સાથે આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપી પાસેથી 5 લાખની ગાડી સહિત 70 લાખનો કુલ મુદામાલ રીકવર કર્યો હતો.