GujaratSurat

સુરતમાં 500 કરોડના રિયલ ડાયમંડના ગણપતિની સ્થાપના, આ રીતે કરશે ગણેશ વિસર્જન

ડાયમંડ નગરી સુરતમાં 500 કરોડના રિયલ ડાયમંડના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જો કે તમને આ સાંભળવામાં વિશ્વાસ નહિ થાય પરંતુ આ સાચી વાત છે. હાલમાં ગણેશ ઉત્સવનો મહા પર્વ ચાલી રહ્યો છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં ખાસ ધૂમધામથી ગણેશજીના ભકતો તેમના ઘરે ગણપતિની સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી તેમની સેવા કરે છે. ત્યારબાદ દસ દિવસ પછી વિસર્જન કરવામાં આવે છે.

આજે ગણેશ ઉત્સવનો પહેલો દિવસ છે ત્યારે આજે ડાયમંડ નગરી સુરતમાં પાંડવ પરિવાર દ્વારા 500 કરોડના રિયલ ડાયમંડના ગણપતિની સ્થાપના કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પરિવાર કતારગામ વિસ્તારમાં આવેલ બાળ આશ્રમ નજીક રહે છે. આ પાંડવ પરિવાર દ્વારા નાની અમસ્તી એક શ્રી ગણેશજીની મૂર્તિ હિંડોળામાં બેસાડીને તેની સ્થાપના કરવામાં આવી છે.

 

જો કે આ ગણેશજી ની પ્રતિમા નરી આંખે દેખાવમાં કંઈક અલગ જ દેખાય છે પરંતુ તેને દૂરબીન કાચ અથવા તો યંત્ર વડે જોવામાં આવે તો તે એક શ્રી ગણેશજીની પ્રતિમા દેખાશે. આ પ્રતિમા હીરા વેપારના વ્યવસાય સાથે જોડાયેલા પાંડવ પરિવારના મોભી રાજેશભાઈ દ્વારા બનાવવામાં આવી છે. આ અંગે તેમને જણાવ્યું હતું કે તેમને આજથી 18 વર્ષ પહેલા રફ ડાયમંડને કાપતા તેમાંથી શ્રી ગણેશજીના આકાર વાળી આ પ્રતિમા મળી આવી હતી.

રાજેશભાઈએ કહ્યું હતું કે તેમને જયારે થી આ પ્રતિમા મળી છે ત્યારથી તેઓ આ ગણેશજી ની પ્રતિમા પોતાના ઘરમાં જ રાખે છે. અને તેઓ દર વર્ષે ગણેશ ચતુર્થીના પવિત્ર મહા પર્વ દરમ્યાન આ પ્રતિમાને તેઓ મંદિર માંથી બહાર કાઢે છે અને સંપૂર્ણં ધાર્મિક વિધિ પ્રમાણે તેમના ઘરમાં સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી તેમના ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરે છે.

રાજેશભાઈએ વધુમાં જણાવતા કહ્યું હતું કે તેમને આ આ રફ ડાયમંડ વર્ષ 2005માં માત્ર 19 હજાર રૂપિયામાં ખરીધો હતો. જેનું વજન 27.74 સેન્ટ કેરેટ છે. હાલમાં આ રફ ડાયમંડયુક્ત શ્રી ગણેશજીની પ્રતિમાની બજાર કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા જેટલી હોવાનું માનવામાં આવે છે. જો કે રાજેશભાઈ આ પ્રતિમાને ક્યારેય વેચવા માંગતા નથી. તેમની પાસે આ રફ ડાયમંડને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેબોરેટરીમાં તપાસ કરાવ્યાનું પ્રમાણિક પ્રમાણપત્ર પણ છે.

આ રફ ડાયમંડના ગણપતિ કુદરતી રીતે જમણી સૂંઢના ગણપતિ છે. ડાયમંડના ગણપતિ પારદર્શક અને કુદરતી વન પીસના છે. આ પરિવાર ગણેશ વિસર્જનના દિવસે શ્રી ગણેશજીની પ્રતિમા પર તાપી નદીના પાણીના અમીછાટના કરી વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરીને ત્યારબાદ તેમને ફરીથી પોતાના જ ઘરમાં તેમની યોગ્ય જગ્યાએ સ્થાપના કરશે.