Gujarat

સાતમાં પગાર પંચનો અમલ થતા સરકારી કર્મચારીઓના પગારમાં થયો ઘટાડો, જાણો કેમ?

સામાન્ય રીતે પગારપંચના અમલબાદ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થતો હોય છે. પરંતુ ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ કોલેજોના 70 જેટલા અધ્યાપકોનો પગાર સાતમા પગારપંચ લાગુ થયા બાદ 25 થી 30 હજાર ઓછો થઇ ગયો છે. આમ સાતમા પગારપંચના અમલ બાદ આ 70 અધ્યાપકોની ઉલ્ટી ગંગા વહેવા લાગી છે. આ મામલે તમામ અધ્યાપકોએ રાજ્યના શિક્ષણ વિભાગને ઘણી રજૂઆતો કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

ઉલ્લેખીય છે કે, સાતમા પગારપંચના અમલ બાદ રાજ્યની સરકારી ગ્રાન્ટેડ કોલેજોના 70 જેટલા અધ્યાપકોનો પગાર વધવાની જગ્યાએ 25 થી 30 હજાર રૂપિયા ઘટી ગયો છે. આમ સાતમા પગારપંચની અમલવારીમાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે આ મામલે એક અધ્યાપકે જણાવ્યું હતું કે, વર્ષોથી અધ્યાપક તરીકે ફરજ બજાવીએ છીએ. સાતમા પગારપંચનો અમલ કર્યા બાદ ગણતરીમાં ભૂલ થવાના લીધે અમારો પગાર ઓછો આવે છે. આ મામલે અમે ઘણી વખત શિક્ષણ વિભાગને લેખિત અને મૌખિક એમ બંને રીતે રજુઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી.

અધ્યાપકે વધુમાં જણાવ્યું હતુંય કે,છઠ્ઠા પગારપંચના અમલ બાદ મને 9 હજાર રૂપિયા ગ્રેડ પે મળતો હતો. પરંતુ આ વખતે સરકારે સાતમા પગારપંચના અમલીકરણ વખતે 01-01-2016ની સ્થતીએ અમલવારી કરવાનું ઠેરવ્યું હતું. અને એ સ્થિતિ પ્રમાણે 9 હજારને બદલે 8 હજાર સ્કેલની સ્થિતિએ મને મુકતા મારો પગાર વધવાની જાગ્યો માસિક 25 થી 30 હજાર ઘટી ગયો છે.

અધ્યાપકના જણાવ્યા અનુસાર, મારા જેવા 70 અધ્યાપકો છે જેમનો પગાર વધવાની જગ્યાએ ઘટી ગયો છે. અને આ મામલે સરકારને અનેક રજુઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. પગાર પંચના અમલમાં અધિકારીઓ અને સરકાર વચ્ચે સંકલનો ખુબ અભાવ છે. દુઃખની વાત એ છે કે UGCના નિયમ પ્રમાણે અધ્યાપકોને પગાર મળતો જ નથી.