GujaratSaurashtra

MAHA વાવાઝોડાની અસર શરુ, કચ્છમાં વરસાદ ચાલુ

MAHA Cyclone ગુજરાત તરફ આવી રહ્યું છે અને આગાહી મુજબ તે નબળું પડી જશે.પણ હવામાન વિભાગના કહેવા મુજબ નબળું પડવા છતાં તે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન કરી શકે છે. મહા વાવાઝોડું 6 તારીખે રાત્રે અથવા તો 7 તારીખે વહેલી સવારે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. હજુ વાવાઝોડું કેટલાય કિલોમીટર દૂર છે તો પણ તેની અસર ગુજરાતમાં દેખાવાની શરુ થઇ ગઈ છે.

આજે પણ કચ્છમાં વરસાદ પડ્યો હતો.ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.હવામાન વિભાગે દરિયાકાંઠાના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે ત્યારે 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

એનડીઆરએફની વધુ છ ટુકડી પણ ગુજરાત તરફ રવાના થઈ છે. રાજ્યમાં એનડીઆરએફની કુલ 30 ટીમો આવી પહોંચશે. 5 ટીમ દીવમાં તૈનાત કરવામાં આવશે અને અન્ય 15 ટીમો સૌરાષ્ટ્રમાં તૈનાત કરાશે.

મહા વાવાઝોડાના કારણે 6 તારીખે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ભાવનગર, કોડીનાર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, વાપી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.