મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવીને ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મોંઘુ પડી ગયું છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની સંસદીય સમિતિમાંથી હટાવ્યા છે. આ સાથે સાધ્વી પ્રજ્ઞાને સત્ર દરમિયાન ભાજપ સંસદીય પાર્ટીની બેઠકોમાં ન આવવાનું કહેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીની શિસ્ત સમિતિ સાધ્વી સામે મોટી કાર્યવાહી કરશે. તેને પાર્ટીમાંથી પણ હાંકી કાઢી શકાય છે. ભાજપના કાર્યકારી પ્રમુખ જે.પી.નડ્ડાએ કહ્યું કે ગઈકાલે સંસદમાં તેમનું નિવેદન નિંદાજનક હતું. ભાજપ આવા નિવેદનો કે વિચારધારાને ક્યારેય સમર્થન નથી આપતો.
લોકસભામાં એસપીજી સુધારા બિલ અંગે ચર્ચા કરતી વખતે ડીએમકેના સાંસદ એ.કે. રાજા ગોડસેના નિવેદનની વાત કરી રહ્યા હતા કે તેમણે મહાત્મા ગાંધીને કેમ માર્યો, પછી સાધ્વી પ્રજ્ઞાએ તેમને અટકાવીને કહ્યું કે તમે દેશભક્તનું ઉદાહરણ ન આપી શકો.પ્રજ્ઞા ઠાકુરનું નિવેદન લોકસભા રેકોર્ડમાંથી પણ દૂર કરવામાં આવ્યું છે.
સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજે દેશની સંસદમાં ભાજપના સાંસદે ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા.હવે વડા પ્રધાનને (જેમણે મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિની ઉજવણી કરી હતી) તેમણે જણાવવું જોઈએ કે ગોડસે વિશે તેમના શું વિચાર છે?