GujaratSaurashtra

સૌરાષ્ટ્રનો આ યુવક ઇન્સ્ટાગ્રામના ઉપયોગથી કરે છે અઢળક કમાણી, ગુજરાતભરમાં જાણીતા આ પેજનો માલિક કોણ છે જાણો

આજના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ વધી ગયો છે.લોકો દુકાનો પર જવાને બદલે આજે ઓનલાઇન જ વસ્તુ મંગાવતા હોય છે. મોટી મોટી બ્રાન્ડ પોતાના ગ્રાહકોને આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી જાહેરાત આપીને આકર્ષે છે.આ જાહેરાત માટે સૌથી સારું પ્લેટફોર્મ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ. આ પ્લેટફોર્મ દુનિયાભરમાં જાણીતા છે અને લાખો કરોડો લોકો દરરોજ ઉપયોગ કરતા હોય છે.તમે પણ કોઈ બ્રાન્ડની જાહેરાત કરીને પૈસા કમાઈ શકો છો, ગુજરાતના અનેક યુવકો ફેસબુક,ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ થકી લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે. આજે આપણે વાત કરીશું ઇન્સ્ટાગ્રામમાં ગુજરાતભરમાં જાણીતા પેજ Gujju Minion વિશે,

ગુજરાતમાં ઇન્સ્ટાગ્રામમાં ઘણા પેજ છે જેમાં સૌથી વધુ જાણીતું પેજ હોય તો તે છે Gujju Minion. આ પેજમાં તમને જોક્સ, વાઇરલ વિડીયો તેમજ અનેક એવું કન્ટેન્ટ જોવા મળશે જે તમને અવશ્ય રાજી કરી દેશે. આ પેજમાં કોઈ અશ્લીલ કન્ટેન્ટ ન પીરસાતું હોવાથી દરેક ઉંમરના લોકોમાં પેજ ખુબ ટૂંકા ગાળામાં જ જાણીતું બન્યું છે. આજે આ પેજ પર 8 લાખ 65000 કરતા વધુ ફોલોઅર્સ છે.

ગુજ્જુ મિનિયન પેજના માલિક એટલે કે પેજ પર અવનવું કન્ટેન્ટ મૂકીને લોકોને હસાવનાર માણસની વાત કરીએ. 8,65,000 ફોલોઅર્સમાંથી લગભગ તેમના નજીકના લોકો જ તેમને જાણે છે. તેમણે આટલા મોટા પેજ પર ક્યારેય પોતાની વ્યકિતગત ઇમેજ બનાવવાની કોશિશ નથી કરી. જણાવી દઈએ કે ગુજ્જુ મિનિયન પેજના માલિક લલિત મંગનાણી છે.તેઓ સૌરાષ્ટ્રના જૂનાગઢના વતની છે.

25 વર્ષીય લલિત મંગનાણી કહે છે કે, તેમણે વર્ષ 2009માં ફેસબુક જોઈન કર્યું હતું. ત્યારથી જ તેઓ ફેસબુક પર જોક્સ, કોમેડી વિડીયો જેવું કન્ટેન્ટ મૂકીને લોકોને હસાવતા હતા. એ સમયમાં ફેસબુક એક જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતું જેના થકી લોકો એકબીજા સાથે કનેક્ટ થતા હતા.

જેમ જેમ સમય વીતતો ગયો તેમ અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ થયા. લલિત કહે છે કે લગભગ 2017 સુધી તો તેને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવવાનો કોઈ વિચાર હતો નહીં, ખુદના ફોટો મુકવાનો શોખ હતો નહીં એટલે તેમણે જોક્સ અને અન્ય કોમેડી કન્ટેન્ટ મુકવા માટે ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું.

20 જાન્યુઆરી 2017માં તેમણે ઇન્સ્ટાગ્રામ પર “Gujju Minion” નામનું પેજ બનાવ્યું અને જોક્સ,વિડીયો પોસ્ટ કરવાનું શરુ કર્યું. શરૂઆતના સમયમાં તો ખુબ મુશ્કેલીઓ આવી કેમ કે ઇન્સ્ટાગ્રામ તેમના માટે નવું હતું જેથી લોકો સાથે કઈ રીતે કનેક્ટ થવું તે જાણવું મુશ્કેલ હતું. લલિત કહે છે કે, તેમને પહેલા 10,000 ફોલોઅર્સ કરવામાં 4 મહિના જેટલો સમય લાગ્યો હતો.ખુબ મહેનત કર્યા બાદ એક વર્ષના અંતે પેજ પર 1 લાખ ફોલોઅર્સ થયા હતા.

1 લાખ ફોલોઅર્સ થતા જ લોકોનું ધ્યાન આ પેજ તરફ ગયું અને ઘણા પોતાના બિઝનેસની જાહેરાતો આપવા માટે પેજનો સંપર્ક કરવા લાગ્યા.આવી પ્રમોશનલ રિકવેસ્ટ આવતા જ લલિત ને ત્યારે ખબર પડી કે મસ્તી-મજાક માટે બનાવેલા આ પેજ થકી જાહેરાત કરીને તે અઢળક રૂપિયા કમાઈ શકે તેમ છે. બાદમાં લલિતે પોતાની મહેનત વધારી અને પેજ ને વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો શરુ કર્યા.

આજે ગુજ્જુ મિનિયન પેજ પર 8 લાખ 65000 ફોલોઅર્સ છે.તેમના કહેવા મુજબ 5 લાખ ફોલોઅર્સ પછી જાહેરાતો વધુ આવા લાગી હતી. ઇન્સ્ટાગ્રામની દરેક સ્ટોરીમાં આજે ઓછામાં ઓછા 1 લાખ સુધી Views આવે છે અને દરેક પોસ્ટ પર અંદાજે 15 થી 40000 સુધી લાઇક્સ આવે છે.

કમાણી: લોકોનો એક જ સવાલ હોય છે કે, સોશિયલ મીડિયાથી માણસ કમાઈ કેટલું? તમને જાણીને નવાઈ લાગશે કે ગુજ્જુ મિનિયન પેજના માલિક લલિત મંગનાણી 10 ધોરણ જ ભણેલા છે. પણ ભણતર મહત્વનું નથી જો તમારામાં આવડત હોય તો તમે સારું કમાઈ શકો છો. લલિત આજે ઇન્સ્ટાગ્રામ પેજ થકી મહિને ઓછામાં-ઓછા 50,000 રૂપિયાની કમાણી કરે છે.

લલિત કહે છે કે, આ આટલું સરળ નથી. કન્ટેન્ટ બનાવવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. બેઝિક એડિટિંગ પણ આવડવું જોઈએ.લોકોને કેવું કન્ટેન્ટ પસંદ છે તેની તમને જાણ હોવી જોઈએ. લલિત કહે છે કે, હું સવારે 3 થી 4 કલાક મહેનત કરીને કન્ટેન્ટ તૈયાર કરું છું અને આખો દિવસ તેને પેજ પર મુકું છું.

ભવિષ્યના પ્લાન વિશે લલિત કહે છે કે, તે ઇન્સ્ટાગ્રામમાં જ આગળ વધવા માંગે છે. કેમ કે હવેનો યુગ ડિજિટલ યુગ છે.વિદેશની જેમ હવે ભારતમાં પણ લોકો ઓનલાઇન જાહેરાતો જોઈને ચીજવસ્તુ ખરીદતા થયા છે. જેથી આગામી સમયમાં વધુમાં વધુ લોકો સાથે કનેક્ટ થવાનો પ્લાન છે.