દેશની આ મોટી કંપનીના કર્મચારીએ કહ્યું કે છીંક ખાઈને વાયરસ ફેલાવો, પોલીસે ધરપકડ કરી અને કંપનીએ કાઢી મુક્યો
કોરોના વાયરસ વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. હવે ભારતમાં પણ કોરોના માથું ઊંચકી રહ્યો છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ સાવચેતીના ભાગરૂપે દેશને 21 દિવસ સુધી લોકડાઉન કર્યો છે. આ દરમિયાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યાં બેંગ્લોર સ્થિત મોટી આઇટી કંપનીના કર્મચારીએ કોરોના વાયરસ સંબંધિત વિવાદિત પોસ્ટ મુકી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે.
દેશની મોટી આઇટી કંપની ઇન્ફોસીસના કર્મચારીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, “ચાલો, સાથે આવો, બહાર નીકળો, ખુલ્લામાં છીંક ખાવ અને વાયરસ ફેલાવો.” જે બાદ લોકોને ખુલ્લી જગ્યામાં છીંક આવવા અને કોરોના વાયરસ ફેલાવવા માટે ઉશ્કેરવા બદલ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આઇટી કંપની ઇન્ફોસીસે જણાવ્યું હતું કે તેઓએ તપાસમાં કર્મચારીને દોષી ઠેરવ્યા છે અને આરોપી સોફ્ટવેર એન્જિનિયરને નોકરીથી કાઢી મુક્યો છે.
બેંગલુરુના સંયુક્ત પોલીસ કમિશનર સંદીપ પાટિલે જણાવ્યું છે કે, જે વ્યક્તિએ લોકોને ખુલ્લામાં છીંકીને વાયરસ ફેલાવવા માટે કહ્યું હતું, તેની ધરપકડ કરવામાં આવી છે. તે સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે.
ઇન્ફોસિસે તેના ટ્વીટર હેન્ડલ પર ટ્વિટ કરતાં કહ્યું છે કે અમે અમારા એક કર્મચારીની પોસ્ટની તપાસ કરી લીધી છે. તેની પોસ્ટ કંપનીના નિયમો અને સામાજિક પ્રતિબદ્ધતા વિરુદ્ધ છે. તેને નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યો છે.