Corona VirusIndia

દેશ માટે મોટા સમાચાર: GDP 11 વર્ષના સૌથી નીચલા સ્તર પર, 2009 જેવી મંદી ના એંધાણ

વર્ષ 2009 માં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર ફરીથી સત્તામાં આવી. તે જ વર્ષે નાણાકીય વર્ષ 2008-09ના જીડીપીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2008-09 (એપ્રિલથી માર્ચ) માં દેશનો જીડીપી એટલે કે વિકાસ દર 3.09 ટકા હતો. જીડીપીના આ આંકડા એ વખતની વૈશ્વિક મંદીના હતા.

વર્ષ 2008 માં વિશ્વવ્યાપી મંદી હતી. આ મંદીની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ પડી. તેની અસર જીડીપીના આંકડા પર જોવા મળી હતી.આજે 11 વર્ષ પછી દેશનો જીડીપી ફરી એકવાર તે જ સ્તરની નજીક આવ્યો છે.નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ 4.૨ ટકા હતો. આ લગભગ 11 વર્ષનું નીચું સ્તર છે. વર્ષ 2008-09 માં આ સ્તરે જોવા મળ્યું હતું. 11 વર્ષમાં જીડીપીના હિલચાલ વિશે વાત કરીએ તો નાણાકીય વર્ષ 2016-17માં સૌથી વધુ ગ્રોથ જોવા મળ્યો હતો. દેશનો જીડીપી ગ્રોથ રેટ આ નાણાકીય વર્ષમાં 8.25 ટકા રહ્યો હતો. જો કે, ત્યારબાદના 3 નાણાકીય વર્ષોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ક્વાર્ટરમાં જાન્યુઆરીથી માર્ચની વચ્ચે જીડીપી ગ્રોથ રેટ 3.1 ટકા રહ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.7 ટકા થયો છે. આ ઉપરાંત, જીડીપી ગ્રોથ રેટને સુધારીને 2019-20ના પ્રથમ ક્વાર્ટરમાં 5.6 ટકા અને બીજા ક્વાર્ટરમાં 5.1 ટકા કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને વર્ષ 2020-21 વધુ ખરાબ રહેવાની સંભાવના છે. તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંક એ પણ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન દેશની જીડીપીમાં વૃદ્ધિ નેગેટિવ રહેશે, એટલે કે તે ઘટશે.કોરોના સંકટને ધ્યાનમાં રાખીને મોદી સરકારે લગભગ 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આ પેકેજની વિગતો દેશની સામે રાખવામાં આવી છે. પરંતુ તમામ રેટિંગ એજન્સીઓ આગાહી કરી રહી છે કે આ રાહત પેકેજથી જીડીપીને ફાયદો થશે નહીં. આ પેકેજની મોટાભાગની રકમ ક્રેડિટ સ્કીમ જેવી છે.