કોરોના ને લઈને ચિંતાજનક સમાચાર: ભારતમાં એક જ દિવસમાં 8171 કેસ સામે આવ્યા , કુલ કેસ 1,98,000 ને પાર
કોરોના ને લઈને ગંભીર સમાચાર આવી રહયા છે.હવે દેશમાં દરરોજ 8 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. મંગળવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં 8171 નવા કેસ નોંધાયા છે અને આ જીવલેણ રોગને કારણે 24 કલાકમાં જ 204 લોકોનાં મોત નીપજ્યાં છે. હવે દેશમાં કોરોના ના કુલ કેસ 1 લાખ 98 હજાર 706 છે. આમાંથી 5 હજાર 598 લોકોનાં મોત નીપજ્યાં છે. રાહતની વાત છે કે લગભગ 50 ટકા એટલે કે 95 હજાર 527 દર્દીઓ કોરોના સામેની લડાઇમાં જીત્યા છે.
હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 97 હજાર 581 છે. છેલ્લા કેટલાક દિવસોમાં રિકવરી રેટ વધતા રાહત પણ અનુભવી છે.મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં દર્દીઓની કુલ સંખ્યા 70 હજારને પાર કરી ગઈ છે. અત્યાર સુધીમાં 2 હજાર 362 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 30 હજારથી વધુ લોકો સાજા થયા છે. હાલમાં 37 હજાર 543 સક્રિય કેસ છે. તમિલનાડુ બીજા નંબરે છે, અત્યાર સુધીમાં 23 હજારથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 184 લોકોનાં મોત નીપજ્યાં છે.
દિલ્હી ત્રીજા ક્રમે છે. અહીં 20 હજાર 834 કેસ નોંધાયા છે, જેમાં 523 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 8746 લોકો સાજા થયા છે. ગુજરાતમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 17 હજાર 200 થઈ ગઈ છે, જેમાં 1063 લોકો મૃત્યુ પામ્યા છે. રાજસ્થાનમાં દર્દીઓની કુલ સંખ્યા 8980 છે, જેમાં 198 લોકોનાં મોત નીપજ્યાં છે. મધ્ય પ્રદેશમાં દર્દીઓની કુલ સંખ્યા 8283 છે, જેમાંથી 358 લોકો મૃત્યુ પામ્યા છે. ઉત્તર પ્રદેશમાં દર્દીઓની સંખ્યા 8075 છે, જેમાં 217 લોકોએ જીવ ગુમાવ્યો છે.