મહિલાઓ માટે લાંબા વાળ તેમની સુંદરતા દેખાવવા ખૂબ જ મહત્વના છે.વાળની સુંદરતાને જાળવી રાખવા માટે દરેક ઉંમરની સ્ત્રીઓ કેટલાય રૂપિયા ખર્ચે છે.એવામાં પોતાના બધા જ વાળ દાનમાં આપી દેવા માટે કેટલું મજબૂત મનોબળ જોઈએ તે સમજી શકાય એમ છે.આવું જ કઈક વિરમગામની અમી શ્રીમાળીએ કરી બતાવ્યુ છે.
અમી શ્રીમાળીએ મહેસાણાના વિસનગર ખાતે વાળ ડોનેટ કર્યા હતા.અમી શ્રીમાળીએ મુંડન કરાવી પોતાના વાળ કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે દાન કર્યા છે.આ સાથે તેણે અન્ય યુવતીઓને પણ પ્રેરણા પૂરી પાડી છે.વધુમાં જણાવીએ તો અમીના પિતા છેલ્લા ૮ વર્ષથી કેન્સર પીડિત દર્દી હતા,પિતાના મૃત્યુ બાદ અમીએ પોતાના વાળ દાનમાં આપી સાચી શ્રદ્ધાજલી આપી.
પિતા હોસ્પીટલમાં હતા એ સમયે અમી પણ હોસ્પીટલમાં જોડે રહેતી હતી,એ સમયે અન્ય કેન્સરગ્રસ્ત મહિલા દર્દીઓ પણ હતા,ઉલ્લેખનીય છે કે,થેરાપી બાદ કેન્સરના દર્દીઓના વાળ જતા રહેતા હોય છે.તે સમયે કેન્સરગ્રસ્ત મહિલાઓ બહાર નીકળતા પણ શરમ અનુભવતી હોય છે,તેમની પાસે હેર વિગ લગાવવા સિવાય અન્ય વિકલ્પ હોતો નથી.
એ દરમિયાન અમી શ્રીમાળીએ વાળનું દાન કરવાનું વિચાર્યું.અંતે તેમણે ૨ વર્ષ વાળ લાંબા વધાર્યા,પછી હેર ડોનેટ કરતી સંસ્થાનો સંપર્ક કરી અમી શ્રીમાળીએ વિસનગર ખાતે હેર ડોનેટ કર્યા છે.વાળ ડોનેટ કર્યા બાદ અમી શ્રીમાળીએ જણાવ્યુ કે હું મુંડન કરાવ્યા પછી ટોપી નહીં પહેરું કારણ કે કેન્સરગ્રસ્ત મહિયાઓને માથામાં વાળ ખરી જાય છે એ સમયે તેઓ બહાર જવામાં શરમ અનુભવતા હોય છે.
તેમની હિંમત વધારવી એ જ આપણી માનવતા છે,તમને જણાવી દઈએ કે જો અમી શ્રીમાળી જેવુ જ દરેક મહિલા વિચારશે તો કેન્સરગ્રસ્ત મહિલાને બહાર જવામાં કોઈ ચિંતા રહેશે નહીં.કેન્સરગ્રસ્ત લોકોને હેર વિગ મળે તે માટે ઘણી મહિલાઓ પોતાના વાળ દાનમાં આપે છે.હેર ડોનેટમાં ૧૦ ઈંચ સુધીના લાંબા વાળ સ્વીકારવામાં આવે છે.