ગુજરાતના આ ગામમાં નીકળ્યો અનોખો વરઘોડો, બળદગાડા સાથે નીકળેલ વરઘોડો જોવા લોકો ઉમટી પડ્યા,
અત્યાર સુધી તમે વરઘોડા નીકળતા તો જોયા જ હશે પરંતુ આ પરિવારે પુત્રનો વરઘોડો કઈક અલગ રીતે જ કાઢ્યો હતો.આવું જ કઈક સાવરકુંડલાના નેસડી ગામેથી સામે આવ્યું છે.જ્યાં બળદગાડા સાથે નિકળેલ વરઘોડો દરેક લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.આ વરઘોડાને જોતા પ્રાચીન સંસ્કૃતિ અને જૂના રીત-રિવાજ ઉજાગર બન્યા.
સાવરકુંડલાના નેસડી ગામે યુવકના લગ્નમાં ૧૦ જેટલા બળદગાડા અને ૧૦ ઘોડીઓ સાથે નીકળેલ વરઘોડાને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા ચડ્યું.આ ૧૦ બળદગાડામાં સાફા,ભરત ભરેલ તોરણ સાથે જ્યારે બળદના માથે ઝુલ,મોરા,ઘુઘરાથી શણગાર સાથે ગામમાં જ કથીરીયા પરિવારના આંગણે જાન પધારી હતી.
નેસડી ગામમાં ૨૦ વર્ષ સુધી સેવા કરી ચૂકેલ માજી સરપંચ પદે રહેલ હિંમતભાઈ ગેવરીયાના સુપુત્ર જયદીપકુમારની જાન જોતા લોકો સ્તબ્ધ રહી ગયા.
પુત્ર જયદીપકુમારના મોટા પપ્પાએ કહ્યું, કારમાં તો કેટલાય વરઘોડા નીકળે છે,જયદીપનો વરઘોડો તો અમારા ખેડૂતના જૂના રીતિ-રીવાજ મુજબ બળદગાડામાં કાઢવો છે અને ખરેખર આ વરઘોડો એ પ્રમાણે જ નીકળ્યો હતો.આ વરઘોડાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.