વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ સુરત શહેરમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. પહેલા તો છ કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપીને કેસરિયો ખેસ ધારણ કરી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. અને હવે તો જાહેરમાં પ્રજા વચ્ચે પણ ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આમને સામને આવી ગયાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સુરતથી કઠોર ગામથી વચ્ચે સિટી બસ સેવાનો પ્રારંભ કરવા માટે વોર્ડ નંબર 2ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મોનાલી હિરપરા તેમજ રાજેશ મોરડીયા લીલીઝંડી આપવા માટે ત્યાં પહોંચ્યા હતા. જો કે, ત્યાંરે કામરેજ વિધાનસભા ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાએ તેમના મતવિસ્તારમાં આપના આ બંને કોર્પોરેટરોને જોઈને કાબુ ગુમાવ્યો હતો. અને બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે ઝગડો થયો હતો.
નોંધનીય છે કે, ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચે ચાલુ થયેલ તુતુંમેમે ને બંને પક્ષના કાર્યકરોએ શાંત પાડ્યા હતા.અને બાદમાં તેઓ ત્યાંથી રવાના થયા હતા. જોકે મહાનગરપાલિકાએ જે બસ સેવા શરૂ કરી છે તેનો જશ લેવા માટે કોર્પોરેટર તેમજ ધારાસભ્ય ત્યાં પહોંચતા જ જાહેરમાં તમાશો સર્જાયો હતો.તમને જણાવી દઈએ કે, ભાજપના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે થયેલ આ ઝગડાનો વિડીયો હાલ સોશિયક મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને આ વીડિયો જોઈને લોકોનું હાસ્ય રેલાઈ રહ્યું છે.