BjpGujaratPoliticsRajkotSaurashtra

ગોંડલ અને રીબડા જૂથ નો વિવાદ ચરમસીમાએ: જયરાજસિંહે રીબડામાં જઈને કહ્યું કે, આ ગામમાં કોઈની દાદાગીરી ચલાવી નહીં લઉં

ગોંડલ તાલુકાના રીબડા ગામમાં પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે વિવાદ સામે આવ્યો હતો. એવામાં હવે રીબડામાં પટેલ યુવાન પર થયેલા હુમલાના બીજા દિવસે જયરાજસિંહ જાડેજા દ્વારા મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારસભ્ય જયરાજસિંહ જાડેજા, ઉદ્યોગપતિ ગોવિંદ સગપરિયા, મગન ઘોણિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, જયંતી સરધારા સહિતના લોકોએ હાજરી આપી હતી.

સભામાં રીબડા ગામની મહિલાઓ દ્વારા અશ્રુભીની આંખે પોતાની વ્યથા રજૂ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે પણ મહિપતસિંહ જાડેજા અને તેના પરિવારજનો તેમના ઘરની બહાર પણ નીકળવા દેતા નથી અને ત્રાસ આપે છે. ત્યારે જયરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજના દિવસે એટલે કે 22 ડિસેમ્બરે રીબડા ગામ આઝાદ થયેલ છે. આ ગામનું પગીપણું કરીશ અને રીબડામાં ઘણાં મકાન ખાલી છે, તો જરૂર પડશે તો એ મકાનમાં રહેવા પણ હું આવી જઈશ.

આ દરમિયાન મંચ પર મોટી સંખ્યામાં રીબડાની મહિલાઓ પણ આવી ગઈ હતી અને અશ્રુભીની આંખે પોતાની વ્યથા પણ જણાવી હતી. તેમને જણાવ્યું હતું કે, આજની તારીખે પણ મહિપતસિંહ જાડેજા અને તેના પરિવારજનો તેમને ઘરની બહાર નીકળવા પણ દેતા નથી. ઘરના દરવાજાની આડે વાહનો ઊભાં રાખી ત્રાસ આપે છે. ગામના વડીલ વૃદ્ધોને શેરી ગલીઓમાં ચક્કર મારવાની પણ મનાઈ ફરમાવીએ દેવાઈ છે.

તેથી વિશેષ વારાફરતી વારા યુવાનો પણ મંચ પર આવ્યા હતા અને ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, અમારી જમીન મહિપતસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાનો પરિવાર પાણીના ભાવે પણ પડાવી લે છે અને એને સોનાના ભાવે તે વહેંચી તગડી કમાણી કરે છે. દેશ આઝાદ થયો એને 75 -75 વર્ષ પસાર થઈ ગયા છે, પરંતુ હજુ આજની તારીખ સુધી અમારું રીબડા ગામ આઝાદ થયેલ નથી. મહિપતસિંહ જાડેજાના પરિવારની ગુલામી આજની તારીખમાં પણ અમારે વેઠવી પડી રહી છે. એમાંથી અમને મુક્તિ અપાવવા ગ્રામજનો દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને બીડું ઝડપવા આહવાન કરવામાં આવ્યું હતું.

આ તક પર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, હું ગોંડલ શહેર તાલુકાનો ચોકીદાર છું. આ વખતે રીબડાની ચોકીદારી કરવાની મને પ્રથમ તક મળી છે. આજે તમે લોકોએ ખરેખર હિંમત દાખવી છે, તેથી હું મારી ફરજ સમજી રીબડાનું પગીપણું પણ હું કરીશ. રીબડામાં ઘણાં મકાન ખાલી છે જરૂર પડશે તો એ મકાનમાં રહેવા પણ હું આવી જઈશ અને સતત પગીપણું કરતો પણ રહીશ. રીબડામાં ત્રણ-ત્રણ પેઢીથી જો હુકમી કરી રહેલા લોકો સીધા દોર કરીને જ હું જંપ લઈશ.

તેની સાથે વધુમાં જયરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે છે કે, બુધવારના રાત્રિના ગામના યુવાનોને થોડું કષ્ટ સહન કરવું વારો આવ્યો છે એનું મને દુઃખ છે, પરંતુ તમે ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરીને તમે મત આપ્યા છે. તમારું રક્ષણ 1001 % થશે જ, પોલીસતંત્ર નિષ્ઠાવાન રહેલ છે. તે કોઈનું પણ ચલાવી લેશે નહીં, કહેવાતા રીબડાના દાદા બાપુના દીકરાઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માત્ર બે કલમ નોંધાતાં જ ભોં-ભીતર થઈ ગયા છે, પરંતુ તેમની આ છેલ્લી પ્રવૃત્તિ હશે, હવેથી તેમની કોઈપણ જાતની દાદાગીરી ચલાવી લેવાશે નહીં.

તેમને જડબાંતોડ વળતો જવાબ પણ આપવામાં આવશે એમાં કોઈ શંકાને સ્થાન રહેલ નથી. દેશ આઝાદ થયો એને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ રીબડાના ગ્રામજનો આજની તારીખ એટલે કે 22 ડિસેમ્બર 2022 તમારી નોટબુકમાં તમે નોંધી લેશો. આજથી તમને આ લોકોના ત્રાસથી આઝાદી મળી ગયેલ છે. હવેથી આ પરિવારની કોઈપણ જાતની દબંગગીરી ચલાવી લેવાશે નહીં. આજનું આ સંમેલન નથી, વ્યથા સંમેલન છે અને આ વ્યથામાંથી જ વ્યવસ્થા ઊભી થઈ છે, જેના થકી ગામની બહેનો, દીકરીઓ યુવાનો, વડીલ વૃદ્ધોને કોઈપણ જાતની ડર રાખવાની જરૂર નથી. જરૂર પડે અડધી રાત્રે પણ ધારાસભ્ય પરિવાર તેમના પડખે ઉભા રહેશે.

ગોંડલ નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સંમેલનને હું અભયમ કાર્યક્રમ કહું છું, કારણ કે આજથી જ અહીં અભય સામ્રાજ્યની શરૂઆત થઈ છે. રીબડા કે આજુબાજુના ગામ લોકોએ કોઈપણ તત્વોની બીક રાખવાની જરૂરીયાત નથી.

ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોઈના ઉપર અત્યાચાર કરવો એ પાપ છે અને અત્યાચાર સહન કરવો એ પણ મોટું પાપ રહેલ છે. અમે અને અમારો સંપૂર્ણ પરિવાર તમારી સુરક્ષા માટે જવાબદાર છીએ અને એની જવાબદારી સંપૂર્ણપણે પણ નિભાવીશું.