ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીનું સોમવારે નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. કોહલી ભાજપના વરિષ્ઠ નેતા હતા જે રાજ્યસભાના સાંસદ અને દિલ્હીના ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતના 19મા રાજ્યપાલ હતા જેમણે 16 જુલાઈ 2014 થી 15 જુલાઈ 2019 સુધી કાર્યાલય સંભાળ્યું હતું.
ગુજરાતના રાજ્યપાલ રહીને તેમણે મધ્યપ્રદેશ અને ગોવાના રાજ્યપાલનો કાર્યભાર પણ સંભાળ્યો હતો.દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં એમએનો અભ્યાસ કરનાર કોહલીએ 37 વર્ષથી વધુ સમય સુધી દિલ્હીની હંસરાજ અને દેશબંધુ કોલેજોમાં ભણાવ્યું હતું. તેઓ 1994માં રીડર તરીકે નિવૃત્ત થયા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના ત્રણ વખત રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે.
ઈમરજન્સી દરમિયાન તેઓ 19 મહિના જેલમાં રહ્યા હતા. તેઓ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય હતા.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમના શોક સંદેશમાં તેમણે કહ્યું કે તેમનું સમર્પણ અને સેવા હંમેશા લોકોને પ્રેરણા આપશે.