અમદાવાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના એસજી હાઈવે પર આવેલી શેલ્બી હોસ્પિટલ પાસેના એક બંગલામાં બર્થડે પાર્ટી પર દારૂની રમઝટ બોલાવવામાં આવી રહી હતી. તેની જાણકારી આનંદનગર પોલીસને મળતા પોલીસ દ્વારા બંગલા પર પહોંચીને રેડ પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. બર્થડે પાર્ટીની ઉજવણીમાં યુવાનો દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી રહી હોવાની જાણકારી સામે આવી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં બિલ્ડરનો દીકરાનો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.
પોલીસને જાણકારી મળી હતી કે, આનંદનગરમાં શેલ્બી હોસ્પિટલ પાસે આવેલા રાજદીપ વિલા-1 બંગ્લોમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે. ત્યાર બાદ પોલીસની ટીમ દ્વારા આ બંગ્લા પર રેડ પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા આ બંગલા પરથી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
તેમાં પણ જાણકારી સામે આવી છે કે, શહેરના બિલ્ડરના બંગલામાં દારૂની મહેફિલ ચાલી રહી છે. તેના આધારે પોલીસ દ્વારા તપાસ કરીને બિલ્ડરના દીકરા સહિતના અન્ય લોકોને પકડી પાડવામાં આવ્યા છે. આ મહેફિલમાં દારૂની બોટલો ક્યાંથી લાવવામાં આવી, કોના બર્થડે પર દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું તેને લઈને આનંદનગર પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, શહેરના અલગ-અલગ વિસ્તારમાં રહેનાર યુવકો ભેગા થઈને આ બંગલામાં દારૂની મેહફીલ માણી રહ્યા હતા. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ સામે દારૂબંધીના ભંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.