AhmedabadGujarat

અમદાવાદમાં પત્નીએ પૈસા ના આપતા પતિએ કરી મારામારી

ઘણી વખત લગ્ન જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે કોઈએ સપને પણ ના વિચાર્યું હોય. એવું જ કંઈક અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં સામે આવ્યું છે. જ્યાં પતિએ તેની પત્ની પાસે પૈસા માંગ્યા તો પત્નીએ પૈસા આપવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા પતિએ તેની પત્ની પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો પત્નીએ આ મામલે પોલોસ ફરિયાદ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરાઇવાડી વિસ્તાર ખાતે આવેલા શિવાનંદનગરમાં વસવાટ કરતા 46 વર્ષની ઉંમરની એક મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં તેના પતિ કલ્પેશ ચૌહાણ વિરૂદ્ધ મારમારી તેમજ જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ કરી છે. આ મહિલા અને તેના પતિને ત્રણ સંતાનો છે. ગત રોજ મહિલા પોતાના બાળકો સાથે ઘરે હાજર હતા, તે દરમિયાન પતિએ તેની પત્ની પાસે માંગ્યા હતા. ત્યારે પત્નીએ કહ્યું કે ઘર ખર્ચના પૈસા તો તમે મને આપતા નથી અને પાંચ મારી પાસે પૈસા માંગો છો. પત્નીએ આવો જવાબ આપતા જ પતિ કલ્પેશે ઉશ્કેરાઇને ગંદી ગંદી ગાળો બોલી હતી.ત્યારે ગાળો બોલવાની પત્નીએ ના પાડતા પતિએ પત્નીને જોરથી લાફા મારીને માર મારવાનો શરુ કરી દીધો હતો. આ ઘટનાને કારણે આજુબાજુ રહેતા લોકો તરત જ દોડી આવ્યા હતા.

નોંધનીય છે કે, પતિએ માર મારતા પત્ની પોલીસ સ્ટેશન પહોચી હતી. અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, આ મહિલાના પ્રથમ લગ્ન ચંદખેડામાં થયા હતા. જો કે ત્યારે પતિ સાથે મેળ ના આવતા ઝઘડા થતા હતા. તેથી છૂટાછેડા થયા હતા. અને ત્યારબાદ આ બીજા લગ્ન કલ્પેશ સાથે કર્યા હતા.