સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પર લાગ્યો યુનિવર્સીટીને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવવાનો ગંભીર આરોપ
રાજકોટ શહેરના કાલાવડ રોડ ખાતે આવેલા આંબેડકરનગરમાં વસવાટ કરતા દેવેન્દ્ર મૂળજીભાઈ પરમાર નામના એક વ્યક્તિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણી, રજિસ્ટ્રાર અમિત પારેખ અને ડેપ્યુટી રજિસ્ટ્રાર જી.કે. જોશી વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)માં અરજી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કારકારી કુલપતિ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
અરજીમાં દેવેન્દ્રભાઈએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંકુલમાં આવેલ ઝેરોક્ષની દુકાનનર તેઓ વર્ષ 2019થી ચલાવી રહ્યા હતા. તેમજ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંકુલમાં વર્ષ 2005થી જ્યુસની દુકાન પણ ચલાવતા હતા. 2016થી તેમના એક મિત્ર ચાની કેન્ટીન ચલાવતા હતા. વર્ષ 2022માં ગિરીશ ભીમાણીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિ તરીકે નિમણૂક કરાયા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ભીમાણીનાં મળતીયાઓને તમામ ટેન્ડર કે કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે. લાંચ-રૂશ્વત આપનાર વ્યક્તિને જ ટેન્ડર, દુકાન કે કોન્ટ્રાક્ટની ફાળવણી થઈ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, અમારી બંને દુકાન બંધ કરવા માટે ખૂબ જ દબાણ કરવામાં આવી રહ્યું હોવાથી અમે તે બાબતનર લઈને ગિરીશ ભીમાણી સાથે રજૂઆત કરતાં તેમણે અમારી પાસે લાંચ માંગી હતી. અમે લાંચ આપવાની ના કહ્યું તો તેમણે અમને ધમકી આપીને કહ્યું કે, ‘હું તારી બંને દુકાનો બંધ કરાવીને જ રહીશ’. તેમણે રજિસ્ટ્રાર અમિત એસ. પારેખ તેમજ ડેપ્યુટી રજિસ્ટ્રાર જી. કે. જોશીને ફોન કરીને અમારી દુકાન બંધ કરાવવા કહ્યું હતું. મારા એકલા જોડે નહી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કોન્ટ્રાક્ટ ભરતા તમામ લોકો પાસે વગેરે વસ્તુઓમાં ભીમાણી લાંચ માંગી રહ્યા છે. ભીમાણીએ પવિત્ર શૈક્ષણિક ધામ એવી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું છે.
અરજીમાં વધુમાં જણાવ્યા અનુસાર, કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી તથા જી.કે. જોશીએ વર્ષ 2016થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી શ્રી ચામુંડા પ્રોવિઝન સ્ટોર એન્ડ સપ્લાય દ્વારા ચાલતી કેન્ટીનને પણ દબાણ લાવીને ખાલી કરાવી દીધી તેમજ કોઈ પણ પ્રકારના ટેન્ડર બહાર પાડ્યા વિના જ ભીમાણીએ તેમનાં અમરેલીવાળા ઓળખાણમાં એવા શીતલ આઈસ્ક્રીમવાળાને ફાળવી દીધું છે.
અરજી કર્તાએ માંગણી કરી છે કે, ભ્રષ્ટાચારને કારણે ભીમાણીની આવક એકાએક વધી ગઈ છે જેથી તે દિશામાં પણ તપાસ કરો. કેન્ટીન પ્રક્રિયામાં પણ કરવામાં આવી રહેલ ભ્રષ્ટાચારની ગેરરીતિની પણ તપાસ કરવામાં આવે અને ખોટું કરનાર તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી મારી વિનંતી છે.