IndiaNews

Odisha train accident : તપાસમાં ખબર પડી કે કેવી રીતે થયો ભયાનક ટ્રેન અકસ્માત? રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી માહિતી આપી

Odisha train accident : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું છે. રેલ્વે મંત્રીએ કહ્યું છે કે અકસ્માતનું મૂળ કારણ શોધી લેવામાં આવ્યું છે. પીએમ મોદીએ ગઈકાલે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. અમે આજે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારું લક્ષ્ય બુધવાર (7 જૂન) સવાર સુધીમાં ટ્રેકને પુનઃસ્થાપિત કરવાનું અને ટ્રેનોની અવરજવર શરૂ કરવાનું છે. જેથી આ ટ્રેક પર ફરીથી ટ્રેનો દોડી શકે.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલવે સેફ્ટી કમિશનરે મામલાની તપાસ કરી છે પરંતુ અમે ઘટનાનું કારણ અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લીધી છે… ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આવું થયું છે. અત્યારે અમારું ધ્યાન ફક્ત રેલ્વે ટ્રેક પર ટ્રેનોને સરળ રીતે ચલાવવા પર છે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે NDRF, ODRF અને રેલવેની ટીમોએ મૃતકોની ઓળખ કરવા અને ટ્રેકને રિપેર કરવા માટે આખી રાત કામ કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ઓડિશા પહોંચી ગયા છે, તેઓ હોસ્પિટલોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. ઘણી ટ્રેનોને રદ કરીને ડાયવર્ટ કરવામાં આવી છે. અમે ટ્રેકના રિસ્ટોરેશન પર કામ કરી રહ્યા છીએ.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રવિવારે ભુવનેશ્વર પહોંચ્યા અને બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને આપવામાં આવી રહેલી તબીબી સહાયની સમીક્ષા કરી. AIIMS દિલ્હીના તબીબી નિષ્ણાતોની એક ટીમ 1,000 થી વધુ ઘાયલ અને 100 ગંભીર દર્દીઓને સારવાર આપવા માટે તબીબી સાધનો સાથે ઓડિશામાં ટ્રેન અકસ્માત સ્થળની મુલાકાત લેશે.