આજથી 17 વર્ષ પહેલા વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મના કેસમાં યુવકને જેલના હવાલે કરવામાં આવ્યો હતો. પરંતુ એકદિવસ નવસારી જેલમાં અંધારું થતા જ આરોપી યુવક અંધારાનો લાભ લઇને ફરાર થઇ ગયો હતો, ત્યારે હવે આ 17 વર્ષથી ફરાર આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની સેલવાસ ખાતેથી ધરપકડ કરી હતી અને હાલમાં તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર આજથી 17 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2005માં વલસાડ કપરાડા પોલીસ સ્ટેશનમાં આરોપી રાજેશ વઝીર પાડવી વિરુદ્ધ દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની દુષ્કર્મ અને અપહરણ ગુનામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ આરોપી ધરપકડ બાદ તેને નવસારી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
આ આરોપીને નવસારી જેલમાં કાચા કામના કેદી તરીકે જેલમાં રાખવામાં આવ્યો હતો. અહીં આ રાજેશ વઝીર પાડવી નવ માસ સુધી જેલમાં કેદ રહ્યો હતો. અને અહીં તે રસોડામાં રસોઈયા તરીકે પણ કામ કરતો હતો. આ દરમિયાન જયારે વહેલી સવારે જેલમાં દૂધવાળો દૂધ આપવા આવતો હતો ત્યારે આ આરોપીએ જેલનો ગેટ ખુલતા જ અંધારાનો લાભ લઈને જેલ સિપાઈની નજરથી બચીને જેલમાંથી ભાગી ગયો હતો.
આ ઘટનાની વધુ પ્રાપ્ત માહિતી અનુસાર, આ આરોપી રાજેશ વઝીર પાડવી વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ આરોપી જેલમાં અંધારાનો લાભ લઈને ત્યાં ગામના જંગલમાં સંતાઈ ગયો હતો. જે બાદ તે ત્યાંથી મહારાષ્ટ્રના નાસિકમાં જતો રહ્યો હતો અહીં તેને શાકભાજી માર્કેટમાં બે વર્ષ સુધી કામ કરતો હતો અને આ રીતે પોલીસથી બચવા ભાગતો ફરતો રહેતો હતો.
જો કે આ દરમિયાન આરોપીને નાસિકમાં એક યુવતી સાથે પ્રેમ થઈ જતા તેને આ યુવતી સાથે પ્રેમ લગ્ન પણ કરી લીધા હોવાનું સામે આવ્યું. આરોપીએ યુવતી સાથે લગ્ન કર્યા બાદ છેલ્લા દસેક વર્ષથી સેલવાસ ખાતે રહેવા માટે આવી ગયો હતો. અહીં આવીને તેને તેના નામે એક ઓટો રીક્ષા ખરીદી સેલવાસમાં રિક્ષા ડ્રાઇવિંગનું કામકાજે લાગી ગયો હતો. આ રીતે આરોપી છેલ્લા 17 વર્ષથી નવસારી જેલમાંથી ફરાર થઈને ભાગતો રહ્યો હતો. જો કે સુરત ક્રાઈમ બ્રાન્ચે અલોપીને સેલવાસ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.