GujaratIndia

હવામાન વિભાગનું એલર્ટ: 24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ચોમાસાએ જોર પકડતાની સાથે જ પાયમાલી શરૂ કરી દીધી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની દિલ્હીમાં પણ વરસાદે તબાહી મચાવી છે. દિલ્હી-NCRમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજધાનીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નોઈડામાં પણ આવી જ સ્થિતિ છે. સવારે મોટાભાગના લોકો ઓફિસ જવા નીકળે છે, આવી સ્થિતિમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 46 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

આકાશી આફતનો કહેર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. વલસાડ, સુરત, જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાય ફૂટ સુધી પાણી ભરાવાથી રસ્તાઓ નદી બની ગયા છે, ઘરો અને દુકાનો બરબાદ થઈ ગઈ છે. ઠેર-ઠેર વાહનો પાણીમાં તરી રહ્યાં છે. પરિસ્થિતિ એવી બની છે કે શહેરમાંથી પાણી નીકળતું નથી અને લોકોને ઘૂંટણ ઊંડે સુધી પાણીમાં જવાની ફરજ પડી રહી છે.

મહારાષ્ટ્રના 6 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈમાં છેલ્લા 3 દિવસમાં 9 લોકોના મોત થયા છે. આ સમયે રસ્તાઓ તળાવ બની ગયા છે. નદીઓમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે બધું જ નાશ પામી રહ્યું છે. દેશમાં દક્ષિણથી ઉત્તર, પૂર્વથી પશ્ચિમ સુધી રેકોર્ડ બ્રેક વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ આ સમયે બેવડા સંકટનો સામનો કરી રહ્યું છે. આકાશી તોફાનની સાથે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે જેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. ભરતીના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી.

આવી જ હાલત દેશના અન્ય રાજ્યોની છે. મધ્યપ્રદેશના સિવનીમાં 6 લોકો નદીની વચ્ચે ફસાઈ ગયા. હેલિકોપ્ટરની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા અને 5 પુરૂષોનો સમાવેશ થાય છે. આ તમામ પશુઓ ચરવા ગયા હતા અને અચાનક પાણી વધી જતાં નદીમાં ફસાઈ ગયા હતા. ડિંડોરી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે નર્મદા નદી સહિત નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને નદીઓ અને નાળાઓ પાર કરી રહ્યા છે.