ભાવનગરમાં બે સમાજના લોકો આવ્યા સામસામે, મારામારી માં 10 થી 12 લોકો થયા ઘાયલ
ભાવનગર શહેરના આનંદનગર રોડ ખાતે આવેલા આડોડિયાવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં બે સમાજના લોકો સામસામે આવિનજતા જૂથ અથડામણ સર્જાઈ હતી. આ જૂથ અથડામણમાં પ્રાણઘાતક હથિયારોથી થયેલ હુમલાના કારણે બંને જૂથોના લોકોને સમાજના લોકોને મળી કુલ 10 થી 12 લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે આ વિસ્તારમાં હજુ પણ સ્થિતિ નાજુક હોવાના કારણે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરના અડોડિયાવાસ વિસ્તાર ખાતે વસવાટ કરતા બે સમાજ ના લોકો વચ્ચે એક યુવતીને ભગાડી જવાની બાબતને લઈને વિખવાદ ચાલી રહ્યો છે. આડોડીયાવાસ વિસ્તારનાં ગણેશ વિનુ પરમાર તેમજ પપ્પુ પરમાર(આડોડીયા) આ બંને જણા જાહેરમા જ દારૂનું વેચાણ અને જુગાર રમતા હતા. ત્યારે કમાભાઇ મેર (ભરવાડ) નામના વ્યક્તિએ ગણેશ પરમારને તે બંનેને તેમના ધર સામે જ આ રીતે દારૂનું વેચાણ કરવાની તેમજ જુગાર રમાડવાની ના પાડવામાં આવી હતી. જેને લઈને ઉગ્ર બોલાચાલી થતા કમાભાઈ મેર સહિતના 7 જેટલા લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે ગણેશ પરમાર પર હુમલો કરીને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે આ વાતની જાણ આડોડીયા સમાજના અન્ય લોકોને થતા જ આડોડિયા સમાજનું એક મોટું ટોળું ત્યાં આવી પહોંચ્યું અને બંને સમાજો વચ્ચે મારામારી થઈ હતી. આ જૂથ અથડામણમાં બંને સમાજોના 10 થી 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, આ ઘટનાની જાણ થતાં જ મોટો પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો, તેમજ લોકોનાં ભેગા થયેલા ટોળાને વીખરી આ સમગ્ર મામલો થાળે પાડવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. તેમજ કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે થઈને આ વિસ્તાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.