અમદાવાદમાં એક યુવકને મિત્રની પત્ની સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. જ્યાં એક યુવકને તેની સાથે જ મજૂરી કામ કરતા તેના એક મિત્રની પત્ની સાથે પ્રેમસંબંધ હતો. આ વાતની જાણ મિત્રને થતા બાદમાં આ મામલે વાતચીત કરીને સમાધાન કરી લેવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં મિત્રએ આ વાતને મગજમાં રાખીને પત્ની સાથે સંબંધ રાખનાર યુવકનું અપહરણ કરી લીધું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નરોડા GIDC વિસ્તારમાં આવેલી નર્સરી માં કામ કરતા 28 વર્ષની ઉંમરના ભરત નામના યુવક અને તેની સાથે જ મજૂરી કામ કરતા મિથુન ની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો. ત્યારે આ વાતની જાણ મિથુનને થતાં તેમની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. અને બાદમાં આ મામલે વાતચીત કરીને સમાધાન કરી લીધું હતું. ત્યારપછી મિથુન તેની પત્ની અને બાળકોને લઈને પોતાના મૂળ વતન દાહોદ ખાતે પરત જતો રહ્યો હતો.
ભરત પણ નર્સરીમાંથી નોકરી છોડીને બીજી કોઈ જગ્યાએ નોકરી કરવા જતો હતો. ભરત 21 જુલાઈ ના રોજ નોકરીએ જવા માટે નીકળ્યો હતો, પરંતુ મોડા સુધી ઘરે પરત ના આવતા ભરત જ્યાં કામ કરતો હતો ત્યાં તેનો ભાઈ ચકો તપાસ કરવા ગયો હતો. ત્યારે ચકાને માહિતી મળી કે, મિથુન કોઈ બે ત્રણ વ્યક્તિઓને લઈને આવ્યો હતો અને બાદમાં ભરત અને મિથુન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં મિથુન અને તેની સાથે આવેલા લોકોએ ભરતને માર માર્યો હતો. અમે પછી જબરદસ્તી કરીને ભરત ના હાથ પગ પકડીને તેને રિક્ષામાં બેસાડીને તેનું અપહરણ કરી લઈ ગયા હતા.
તમને જણાવી દઈએ કે, ચકા ઝાલાએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ ભરત નું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ નોધાવી હતી. ત્યારે નરોડા પોલીસે સમગ્ર મામલે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.