ચાલુ ઝઘડામાં પતિએ ઉશ્કેરાઈને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને પત્નીની કરી હત્યા
પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થતો રહેતો હોય છે. પરંતુ ઘણી વખત આ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે તો મારામારી અને હત્યાના બનાવો પણ બનતા હોય છે. આવું જ કંઈક વલસાડ જિલ્લામાં સામે આવ્યું છે. જ્યાં પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો અને પતિ તેની પત્નીને અનેક વખત માર પણ મારતો હતો. ત્યારે ગઈકાલ પણ આવી જ રીતે પતિ પત્ની ઝઘડ્યા હતા તે દરમિયાન પતિએ ગુસ્સામાં પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતા પત્ની ઢળી પડી હતી. તેથી પતિ પાડોશીને બોલાગી લાવ્યો અને કહ્યું કે મારી પત્ની અચાનક જ નીચે પડી ગઈ. ત્યારબાદ પત્નીને હોસ્પિટલ ખાતે ખસેડાઇ અને પાડોશીએ આ વાતની જાણ સરપંચને કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારે પત્નીને હોસ્પિટલ લઈ ગયા ત્યાં હાજર તબીબે પત્નીને મૃત જાહેર કર્યા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હર્ષદભાઈ છગનભાઈ પ્રજાપતિ વલસાડ જિલ્લાના ધનોરી નામના ગામના કુંભરવાડ ખાતે વસવાટ કરે છે. 10 વર્ષ અગાઉ હર્ષદભાઈ છગનભાઇ પ્રજાપતિ અને સુમિત્રાબેન ના લગ્ન થયા હતા. હર્ષદભાઈ અને સુમિત્રાબેન આ બંનેના આ બીજા લગ્ન હતા. લગ્ન જીવન દરમિયાન બંને ને કોઈ બાળક ન હતું. હર્ષદભાઈ અને સુમિત્રાબેન વચ્ચે છેલ્લા 5 વર્ષથી ઘર કંકાસને લઈને અવારનવાર ઝઘડાઓ થતા આવ્યા હતા. સુમિત્રાબેને આ અંગે તેમના માતા પિતાને અનેક વખત ફરિયાદ કરતી હતી. 20 દિવસ પહેલા પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા હર્ષદભાઈએ ગુસ્સામાં આવીને સુમિત્રાબેનને લાકડા વડે માર માર્યો હતો. 2જી ઓગસ્ટના રોજ રાત્રીના સમયે આ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં હર્ષદભાઈ એ ગુસ્સામાં આવીને સુમિત્રાબેન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેથી સુમિત્રાબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. જેથી હર્ષદભાઈએ તરત જ આસપાસમાં રહેતા પડોસીઓને બોલાવ્યા અને આકસ્મિક રીતે મારી પત્ની પડી ગઈ છે તેમ કહી સુમિત્રબેનને હોસ્પિટલ લઈ જવા મદદ માંગી હતી. પરંતુ પાડોશીઓને શંકા ગઈ કે સુમિત્રાબેનની હત્યા થઈ ગઈ છે તેથી તેમણે આ મામલે ગામના સરપંચ,આગેવાનો અને સુમિત્રાબેનના માતા પિતાને જાણ કરી હતી. તેથી ગામના સરપંચ તેમજ આગેવાનોએ ડુંગરી પોલીસને તાત્કાલિક અસરથી આ ઘટના અંગે જાણ કરી હતી. ત્યારે ડુંગરી પોલીસે તાત્કાલીક અસરથી ઘટનાસ્થળ પર પહોંચીને લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.
નોંધનીય છે કે, પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરતા સુમિત્રાબેનની હત્યા થઈ હોવાની શંકા થઈ હતી. તેથી સુમિત્રબેનના પતિ હર્ષદ ભાઈની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હર્ષદભાઈ એક જ વાત કહી રહ્યા હતા કે મારી પત્ની આકસ્મિક રીતે પડી ગઈ છે. બાદમાં પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા હર્ષદભાઈ ભાંગી પડ્યા હતા. અને પોતાનો ગુનો કબુલ કરતા જણાવ્યું કે ઘરકંકાશને લઈને ચાલતા ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.