ભાજપના રાજકારણમાં ગરમાવો, પ્રદિપસિંહ વાઘેલાના કમલમમાં પ્રવેશવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ
વડોદરા અને સુરત બાદ હવે અમદાવાદમાં પણ પત્રિકા વિવાદ ઉભો થઈ ગયો છે. ત્યારે પત્રિકા વિવાદમાં પ્રદીપસિંહનું નામ જોડાયું હોય તેવું ચર્ચામાં જોવા મળી રહ્યું છે. હાલ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાધેલા વિરુદ્ધ પત્રિકાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પ્રદીપસિંહ વાઘેલા ગુજરાતનાં એક મોટા કથિત જમીન કૌભાંડમાં સપડાયેલા છે. તેના લીધે પ્રદિપસિંહ છેલ્લાં થોડા સમયથી કમલમમાં જોવા મળ્યા નથી. ચર્ચા એવી પણ થઈ રહી છે કે, પ્રદીપસિંહની ફરિયાદ બાદ PMO સુધી થતા પાર્ટી દ્વારા કમલમમાં પ્રવેશવાની ના પાડે દેવામાં આવી છે.
તેની સાથે સૂરતમાં જે પેનડ્રાઇવ વહેંચવામાં આવી હતી તેમાં પણ પ્રદિપસિંહનું નામ હોવાનું રહેલું છે. તેના લીધે પક્ષ દ્વારા સખ્ત પગલા ભરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના અને એક મોટા જમીન કૌભાંડમાં દિલ્હીના દરબારથી પ્રદિપસિંહ વાઘેલા સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, રાજ્યમાં ભાજપમાં પક્ષપ્રમુખથી માંડીને અલગ અલગ હોદ્દેદારો વિરુદ્ધ પત્રિકા યુદ્ધ શરૂ કરવામાં આવ્યા બાદ પક્ષમાં નવો વિવાદ ઉભો થયો છે. સત્તાધારી પક્ષમાં મહત્વની જવાબદારી સંભાળી રહેલા નેતાના એક શૈક્ષણિક અગ્રણી સાથેના કૌભાંડોમાં અમદાવાદ પોલીસની સૂચના આધારે પૂછપરછ કરી કૌભાંડો અંગે માહિતીઓ એકઠી કરવામાં આવી રહી છે.
તેની સાથે ભાજપમાં એક મહત્વની જવાબદારી સંભાળી રહેલા યુવા નેતા દ્વારા એક પૂર્વ શૈક્ષણિક અગ્રણીને તેમના કાર્યકાળ દરમિયાન ઘણા કોન્ટ્રાક્ટ અને વિકાસના નામે કામ કરાવવામાં આવ્યા હતા. જેમાં ગેરલાયક લોકોને પણ કામ અને સત્તા સોંપીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. આ સાથે જમીન કૌભાંડની પણ ચર્ચાઓ પણ શરુ થઈ છે. એવામાં થોડા સમય અગાઉ આ યુવા નેતા વિરૂદ્ધ પત્રિકા યુદ્ધ શરૂ થયું હતું જેમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યારે પત્રિકામાં થયેલા આક્ષેપોને લઇને શહેર પોલીસની એક વિશેષ ટીમ દ્વારા પૂર્વ શૈક્ષણિક અગ્રણીને પાંચેક કલાક પોતાની ઓફિસમાં બેસાડીને પૂછપરછ કરવામાં અવી હતી. આ પૂછપરછ પણ યુવા નેતાના કહેવાથી જ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. એવામાં હવે આ વિવાદોની વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાને લઈને દિલ્હીથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.