International

હમાસ પર સૌથી મોટો હુમલો કરવા જઈ રહ્યું છે ઈઝરાયેલ, ઉત્તર ગાઝાને 24 કલાકમાં ખાલી કરવાનો આદેશ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. શુક્રવારે તેના દેશ પર થયેલા હુમલા પછી, ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર ભારે બોમ્બમારો કર્યો છે અને ઘણી ઇમારતોને ખંડેર બનાવી દીધી છે. આ સંઘર્ષ કેટલો ખતરનાક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં બંને પક્ષના લગભગ 2800 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ગાઝા પર સતત હુમલા કરી રહેલા ઈઝરાયેલે એક મોટો આદેશ જાહેર કર્યો છે.

ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે 24 કલાકની અંદર સામાન્ય લોકો ઉત્તર ગાઝા ખાલી કરીને દક્ષિણ તરફ આગળ વધે. આનાથી આશંકા વધી છે કે તે ઉત્તરી ગાઝા પર મોટા ગ્રાઉન્ડ હુમલાઓ કરી શકે છે.ઇઝરાયલની સેનાએ શુક્રવારે ગાઝા શહેરના હજારો રહેવાસીઓને તેમની સલામતી માટે ઉત્તર ગાઝા ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આના કારણે એવો ભય છે કે ઈઝરાયેલ પોતાની ટેન્ક વડે મોટા ગ્રાઉન્ડ એટેક કરી શકે છે.

હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધના 7માં દિવસે ઈઝરાયેલની સેના તરફથી આ સંદેશ આવ્યો છે. ઈઝરાયેલે કહ્યું છે કે આતંકવાદીઓ શહેરની અંદર સુરંગોમાં છુપાયેલા હતા. આથી રહેવાસીઓને 24 કલાકની અંદર ઉત્તરી ગાઝા ખાલી કરીને દક્ષિણ ગાઝા તરફ જવા સૂચના આપવામાં આવી છે. ઉત્તરી ગાઝા લગભગ 1.1 મિલિયન લોકોનું ઘર છે અને ઇઝરાયેલ હમાસ આતંકવાદી જૂથના પાયાને નષ્ટ કરવા માટે વધુ ઘાતક હુમલાઓ શરૂ કરવા માંગે છે.

ઈઝરાયેલની ટેન્કો હુમલો કરવા માટે તૈયાર છે. જો કે ઈઝરાયેલની સેનાએ હજુ સુધી જમીની હુમલાની પુષ્ટિ કરી નથી. જો કે ગુરુવારે ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે તે જમીની હુમલાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ કોઈ નિર્ણય લીધો નથી. બીજી તરફ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર ચિંતિત છે.

યુએનના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે માનવતા વિરુદ્ધના દરેક હુમલાને ‘ખોટો’ ગણાવ્યો છે. યુએનના એક અધિકારીનું કહેવું છે કે યુએન ગ્રાઉન્ડ એટેકને લઈને તેના ઈરાદાઓ વિશે સૌથી વરિષ્ઠ રાજકીય સ્તરે ઈઝરાયેલના અધિકારીઓ પાસેથી માહિતી માંગી રહ્યું છે.ઉત્તરી ગાઝામાં, જ્યાં લગભગ અડધા પ્રદેશની વસ્તી રહે છે, શુક્રવારે વહેલી સવારે સ્થળાંતરની ગભરાટભરી અફવાઓ ફેલાવા લાગી. ગાઝા પટ્ટી પર હમાસનું શાસન છે. આ ગાઝા પટ્ટી 40 કિલોમીટર એટલે કે 25 માઈલની ત્રિજ્યામાં છે.