માંડલ બાદ રાધનપુરમાં અંધાપાકાંડ, મોતિયાના ઓપરેશન બાદ સાત દર્દીઓને તકલીફ
રાજ્યમાં ફરી એકવાર અંધાપાકાંડની ઘટના ચકચાર મચાવ્યો છે. પાટણના રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ અંધાપાની ઘટના સામે આવી છે. જેમાં આંખની સારવાર બાદ સાત દર્દીઓમાં અંધાપાની અસર જોવા મળી છે. તેના લીધે દર્દીઓના પરિવારજનો દ્વારા રાધનપુરની સર્વોદય હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. હાલ અંધાપાથી અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. 2 ફેબ્રુઆરીના રોજ દર્દીઓ દ્વારા આંખની સારવાર કરાવવામાં આવી હતી. દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદ આ ઘટના ઘટી હતી. છ દિવસ બાદ પણ આંખમાં અંધાપાની શરૂઆત થતા આ મામલો ચર્ચામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓમાં અંધાપો છવાઈ ગયો હતો. જેમાં 2 મહિલા અને 3 પુરુષને આંખમાં ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. મોતિયાના ઓપરેશન બાદ દર્દીને અંધાપો આવી ગયો હતો. ત્યાર બાદ દર્દીઓને અમદાવાદ ખાતે અસારવા આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલના ગાંધીનગર અને અસારવા આંખની હોસ્પિટલની ટીમ દ્વારા રાધનપુર ખાતે તપાસમાં પણ કરવામાં આવી હતી.
જાણકારી મુજબ, 2 ફેબ્રુઆરીના રોજ મોતિયાના ઓપરેશન કરાયું હતું. જેમાં 45 વર્ષ અને 65 વર્ષીય રાધનપુરની મહિલાને દ્રષ્ટિમાં ખામી ઉભી થઈ હતી. જ્યારે 78 વર્ષના સાંતલપુરના પુરુષ, 70 વર્ષના રાધનપુરના પુરુષ અને 65 વર્ષીય કાંકરેજના પુરુષને આંખમાં તકલીફ થવા લાગી હતી.