અમદાવાદના મણિનગરમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદના સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ચાર મજૂરો દટાયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા ફાયરબ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પરંતુ તે પહેલા જ સ્થાનિકો દ્વારા એક મજૂરને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ત્રણ મજૂરોને બહાર કાઢી એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન એક મજૂરનું મોત અને ત્રણની હાલત ગંભીર હોવાની જાણકારી સામે આવી છે.
આ મામલાને લઈને ફાયરબ્રિગેડથી જાણકારી મળી છે કે, મણિનગર સ્વામિનારાયણ કોલોનીમાં શ્રીજી એલિગન્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રીજી ઇન્ફ્રા દ્વારા સ્કીમનું બાંધકામ ચાલી રહ્યું હતું. એવામાં બપોરના સમયે મજૂરો કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક ભેખડ ધસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કુલ ચાર લોકો દટાયા હતા. ત્યાર બાદ આજુબાજુમાં રહેલા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જ્યારે શાંતિબેન પાયલબેન અને ચિરાગ નામના ત્રણ મજૂરોને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે એલજી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા.
તેની સાથે અમદાવાદ ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર ઓમ જાડેજા દ્વારા એક નામી ચેનલથી વાતચીત કરતા જણાવવામાં આવ્યું હતું કે, આ ઘટનાને લઈને બપોરના 11:30 વાગ્યાની આજુબાજુ ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો. જેમાં ચાર લોકો દટાઈ ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્રણ લોકોને બહાર કાઢી સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા. ત્રણેય મજૂરોને બેભાન અવસ્થામાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા. શ્રીજી ઇન્ફ્રા નામની બાંધકામ સાઈટ રહેલી હતી અને જ્યારે અહીંયાં પહોંચ્યા ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર રહેલ નહોતો.