સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી, જાણો ક્યારે ખોલાશે દરવાજા?
વરસાદના પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં સરદાર સરોવર ડેમની સપાટી 133.61 મીટરને પાર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં 419139 ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. બીજી તરફ જાવક 53955 ક્યુસેક છે. સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9,460 મિલિયન ક્યુબીક મીટર છે.
જો કે આજે આ ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે. હાલ ડેમ 81 ટકા ભરાયો છે. જો કે આ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં 6,622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે 28,464 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.
બીજી તરફ નર્મદા ડેમમાં પણ પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે. જે નર્મદા ડેમ 81 ટકા ભરાઈ ગયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જયારે બનાસકાંઠામાં નર્મદાની મુખ્ય નહેરની જળ સપાટી વધતા અનેક ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
કેનાલો અને નદીઓમાં પાણી છોડવામાં આવી શકે તેવી પણ શક્યતાઓ જણાવવામાં આવી રહી છે. ત્યારે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાનું સુચન કરવામાં આવ્યું છે. જે મામલતદારે સંભવિત અસરગ્રસ્ત ગ્રામ પંચાયતોને સૂચન કર્યું છે. બીજી તરફ હાલમાં ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે ઉકાઇ ડેમની જળ સપાટી 334.89 ફુટ પર પહોચી ગઈ છે.