સુરતનો વિચિત્ર મામલો, નકલી પોલીસની ટીમે રેડ પાડી પડાવ્યા 1.73 લાખ રૂપિયા, ત્રણની કરાઈ ધરપડક
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. સુરત શહેરમાં પોલીસની નકલી ટીમ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં શ્રાવણ મહિનામાં ચાલી રહેલા જુગારધામ પર નકલી પોલીસની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. ત્યાર બાદ ધાક ધમકી આપીને કારખાનેદારને કેસ કરવો ન હોય તેના માટે રૂપિયા આપવા પડશે. ત્યાર બાદ નકલી પોલીસની ટીમ દ્વારા 1.73 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
તેમ છતાં સુરતની વરાછા પોલીસ દ્વારા આ નકલી પોલીસની ટીમને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં પાંચ જેટલાં ઇસમો દ્વારા પોલીસ બની જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી. જુગાર રમતા કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. જુગારનો કેસ ન કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. રૂપિયા પડાવી લીધા બાદ પાંચેય આરોપી નાસી ગયા હતા. જુગાર રમતા ઈસમોને આ બાબતમાં શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં તપાસ કરી નકલી પોલીસ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વરાછા પોલીસ દ્વારા ત્રણ આરોપીને પકડી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલામાં પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપી મહેશ ડાંગરા, ભીખ્ખુ ઉર્ફે લલિત ચૌહાણ અને આકાશ પરષોતમ વાઘેલાની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓ દ્વારા પોતે ડી સ્ટાફમાં હોવાની ઓળખ આપવામાં આવી હતી. ફરિયાદી દ્વારા સીસીટીવી ચેક કરવાની સાથે કામગીરીને જોતા તેમના પર શંકા જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડ્યા અને આ મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી.